T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે હારનાર સાઉથ આફ્રિકા આવતા સમયમાં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ રમશે.
ન્યુ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં આઉટ થઈ ગયા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયેલો સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા અને એ પહેલાં સેન્ચુરિયન રચિન રવીન્દ્રની વિકેટ ગયા બાદ પણ હતાશ સાઉથ આફ્રિકન ટીમ.
૧૯૯૮માં ચૅમ્પિયન્સ ટ્રોફી રૂપે એકમાત્ર ICC ટાઇટલ જીતનાર સાઉથ આફ્રિકા વર્ષોથી મોટા ટાઇટલ સુધી પહોંચવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. ICCની વન-ડે ઇવેન્ટમાં ૧૧માંથી નવમી વખત આ ટીમે સેમી-ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફિકનો પાંચ વાર ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલ અને ચાર વાર વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં હાર્યા છે જ્યારે ૧૯૯૯ના વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલ ટાઈ થઈ હતી અને સાઉથ આફ્રિકા સામે સારા રનરેટને લીધે ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.
સાઉથ આફ્રિકા ક્રિકેટ માટે છેલ્લાં બે વર્ષ ખરાબ સપના જેવા રહ્યાં છે. છેલ્લા ૭૩૮ દિવસમાં સાઉથ આફ્રિકાની મેન્સ અને વિમેન્સ (સિનિયર અને જુનિયર) ક્રિકેટ ટીમ સાત ઇવેન્ટમાં નૉકઆઉટ મૅચ હારી છે. નૉકઆઉટ મૅચમાં નબળા પડી જનાર સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સ વારંવાર ચોકર્સ સાબિત થઈને પોતાના દેશના ફૅન્સનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે હારનાર સાઉથ આફ્રિકા આવતા સમયમાં ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ રમશે.
ADVERTISEMENT
અલગ-અલગ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાને નૉકઆઉટમાં મળેલી હાર
૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ : વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૧૯ રનથી હાર
૧૬ નવેમ્બર, ૨૦૨૩ : મેન્સ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૩ વિકેટે હાર
૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ : અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપ સેમીમાં ભારત સામે બે વિકેટે હાર
૨૯ જૂન, ૨૦૨૪ : મેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે ૭ રનથી હાર
૨૦ ઑક્ટોબર, ૨૦૨૪ : વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૩૨ રનથી હાર
બીજી ફેબ્રુઆરી, ૨૦૨૫ : અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે ૯ વિકેટે હાર
૫ માર્ચ, ૨૦૨૫ : મેન્સ ICC ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૫૦ રનથી હાર
ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર મિલરે નૉકઆઉટ મૅચના શેડ્યુલ પર ઉઠાવ્યા સવાલ
બન્ને હાથમાં બૅટ પકડીને પોતાના બે મહિનાના દીકરાને સેન્ચુરી સમર્પિત કરી હતી ડેવિડ મિલરે.
સાઉથ આફ્રિકાના સ્ટાર બૅટર ડેવિડ મિલરે ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૪૯.૨૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૦૦ રન ફટકાર્યા હતા. ટુર્નામેન્ટના ઇતિહાસની ૬૭ બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવા છતાં તેની ટીમ ૫૦ રને હારતાં તે લાહોરના મેદાન પર ઇમોશનલ જોવા મળ્યો હતો.
આ મૅચ બાદ તેણે ચૅમ્પિયન્સ ટ્રોફીના નૉકઆઉટ મૅચના શેડ્યુલ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તે કહે છે, ‘ભલે એ એક કલાક અને ૪૦ મિનિટની ફ્લાઇટ હોય, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે અમારે એ કરવું જ પડ્યું. (ગ્રુપ-Bની અંતિમ મૅચ) મૅચ પછી તરત જ અમારે બીજા દિવસે વહેલી સવારે ફ્લાઇટ પકડવાની હતી જેથી અમે સમયસર દુબઈ પહોંચી શકીએ અને સવારે ૭.૩૦ વાગ્યે અમારે (દુબઈથી લાહોર) પાછા આવવું પડ્યું. આ સારી પરિસ્થિતિ નહોતી.’
ચૅમ્પિયન્સ ટ્રોફીની બન્ને ફાઇનલિસ્ટ ટીમને તેણે ખૂબ સારી ટીમ ગણાવી છે, પણ ટ્રોફી જીતવા માટે તેણે કિવી ટીમને પોતાનું સમર્થન આપ્યું હતું.

