પહેલી વાર WTC ફાઇનલમાં પહોંચાડનાર ટેસ્ટ કોચ શુકરી કૉનરાડને ઘરઆંગણે યોજાનારા ૨૦૨૭ના ICC વન-ડે વર્લ્ડ કપ સુધી વાઇટ બૉલ ટીમને પણ કોચિંગ આપશે
કોચ શુકરી કૉનરાડ
સાઉથ આફ્રિકાના ટેસ્ટ કોચ શુકરી કૉનરાડને ICC વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ સુધી લિમિટેડ ઓવર્સની ટીમોના પણ હેડ કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રૉબ વૉલ્ટરની જગ્યા લેશે જેમણે ચૅમ્પિયન્સ ટ્રોફી પછી એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું. ૫૮ વર્ષના ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ઑલરાઉન્ડર કૉનરાડનો મર્યાદિત ઓવર્સમાં પહેલો પડકાર જુલાઈમાં ઝિમ્બાબ્વે અને ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં મળશે.
જાન્યુઆરી ૨૦૨૩થી આફ્રિકાની ટેસ્ટ ટીમને કોચિંગ આપતાં કૉનરાડે આ ટીમને પહેલી વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચાડી છે. કૉનરાડ સામે ઘરઆંગણે યોજાનારા વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ પહેલાં ભારતમાં આયોજિત T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ટીમને સફળતા તરફ દોરી જવાનો પડકાર પણ રહેશે. ૧૯૯૮ની ચૅમ્પિયન્સ ટ્રોફી સિવાય સાઉથ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમ એક પણ ICC ટ્રોફી જીતી શકી નથી.

