૩૦ વખત ૮૦ કે ૯૦ રનનો સ્કોર પાર કર્યા પછી આઉટ થયો છે
ઈડન ગાર્ડન્સમાં સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની ક્રિકેટ-કરીઅરમાં એક અફસોસ વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘હું ઘણી વખત સદી ફટકારવાનું ચૂકી ગયો, મારે વધુ રન બનાવવા જોઈતા હતા. મેં ઘણી વખત ૮૦ અને ૯૦ રન બનાવ્યા. જ્યારે હું એકલો હોઉં છું ત્યારે મારા (બૅટિંગ) વિડિયો જોઉં છું અને મારી જાતને કહું છું અરે, હું ફરીથી ૭૦ પર આઉટ થઈ ગયો. મારે સદી ફટકારવી જોઈતી હતી, પરંતુ હવે તમે એને બદલી શકતા નથી.’
૧૯૯૨થી ૨૦૦૮ સુધીની ઇન્ટરનૅશનલ કરીઅરમાં ગાંગુલીએ ૧૧૩ ટેસ્ટમાં ૧૬ સેન્ચુરી અને ૩૧૧ વન-ડેમાં બાવીસ સેન્ચુરી ફટકારી હતી. ૩૮ સેન્ચુરી ફટકારનાર ગાંગુલી તેની ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૩૦ વખત ૮૦ કે ૯૦ રનનો સ્કોર પાર કર્યા પછી આઉટ થયો હતો. જો તે આ ઇનિંગ્સને સદીમાં રૂપાંતરિત કરી શક્યો હોત તો તેના નામે ૫૦થી વધુ સદી હોત.
ADVERTISEMENT
ગાંગુલીની બાયોપિક ૨૦૨૬ના અંતમાં આવશે
આ ઇન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક વિશે ખુલાસો કરતાં કહ્યું કે ‘મારી બાયોપિક ૨૦૨૬ના અંત સુધીમાં રિલીઝ થશે અને રાજકુમાર રાવ એનો હીરો હશે. એનું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરૂ થશે. પ્રી-પ્રોડક્શન, સ્ક્રિપ્ટ તૈયારી અને વાર્તા લેખનમાં ઘણો સમય લાગે છે. શૂટિંગમાં વધુ સમય લાગતો નથી.’


