શુભમન ગિલે ૨૦૧૩ની આવૃત્તિમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતની યાદગાર જીત અને સેલિબ્રેશનને યાદ કરીને પોતાની ટીમને વિજય તરફ દોરી જવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો
ICCના વિડિયોમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી સાથે જોવા મળ્યો શુભમન ગિલ.
ICC દ્વારા શૅર કરાયેલા એક વિડિયોમાં ભારતીય વન-ડે ટીમના વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે ‘મને ખરેખર ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની ભૂખ (ઇચ્છા) છે અને આ એવી વસ્તુ છે જેને તમે હંમેશાં બાળપણમાં સ્વપ્નમાં જોતા હશો. મેં ICC ટુર્નામેન્ટ રમી છે અને સિનિયર મેન્સ ટીમ સાથે ટ્રોફી જીતવાની ખૂબ નજીક પહોંચી ગયો હતો. મને લાગે છે કે ટોચની ટીમો રમી રહી છે અને હાર માટે કોઈ સ્થાન નથી. એ ખૂબ જ રોમાંચક અને ભીષણ ટક્કર રહેશે. તમે જાણો છો કે તમારી પાસે ભૂલ માટે કોઈ જગ્યા નથી, એથી ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક છે.’
શુભમન ગિલે ૨૦૧૩ની આવૃત્તિમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતની યાદગાર જીત અને સેલિબ્રેશનને યાદ કરીને પોતાની ટીમને વિજય તરફ દોરી જવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. ૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામે પોતાનું ચૅમ્પિયન્સ ટ્રોફી અભિયાન શરૂ થાય એ પહેલાં ભારતીય ટીમ ૧૫ ફેબ્રુઆરીએ દુબઈ પહોંચશે એવી સંભાવના છે.

