ભારત સામેની સિરીઝ માટે સનથ જયસૂર્યાને શ્રીલંકાના વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
સનથ જયસૂર્યા
ઓપનર, ઑલરાઉન્ડર, સિલેક્ટર, ટીમના ઍડ્વાઇઝર બન્યા બાદ ૧૯૯૬નો વન-ડે વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ટીમના મહત્ત્વના સભ્ય સનથ જયસૂર્યાને વધુ એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. શ્રીલંકન ટીમના ફુલ ટાઇમ સિલેક્ટર સનથ જયસૂર્યાને ટીમના વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ ભારત સામેની વન-ડે અને T20 સિરીઝ તથા ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝ માટે શ્રીલંકન ટીમને ટ્રેઇનિંગ આપશે. ૨૭ જુલાઈથી ભારતીય ટીમ નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે શ્રીલંકાના પ્રવાસે જશે.
આક્રમક બૅટિંગની સાથે સ્પિન બોલિંગ કરનાર ૫૫ વર્ષના જયસૂર્યા હેડ કોચ પદ માટે ઇંગ્લૅન્ડના ક્રિસ સિલ્વરવુડનું સ્થાન લેશે. T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ સિલ્વરવુડે રાજીનામું આપી દીધું હતું. વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ટીમ લીગ સ્ટેજથી આગળ વધી શકી નહતી. સનથ જયસૂર્યા આ વર્લ્ડ કપ ટીમના ઍડ્વાઇઝર હતા. જો તેઓ આ બન્ને સિરીઝમાં સફળ રહેશે તો તેમની હેડ કોચ તરીકેની નવી જર્ની શરૂ થઈ જશે.

