ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ભારત ૩-૧થી જીતશે એવી આગાહી કરી છે. ઇંગ્લૅન્ડને ટક્કર આપવા ભારતીય ટીમને સલાહ-સૂચન આપતાં સચિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે...
સચિન તેન્ડુલકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ભારત ૩-૧થી જીતશે એવી આગાહી કરી છે. ઇંગ્લૅન્ડને ટક્કર આપવા ભારતીય ટીમને સલાહ-સૂચન આપતાં સચિને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓ, પવન અને પિચ; આ ત્રણ બાબતોનું સન્માન થવું જોઈએ. જો તમે ફાસ્ટ બોલર સામે ફ્રન્ટફુટ પર સારી રીતે ડિફેન્ડ કરશો તો બાકીનું બધું જ યોગ્ય થઈ જશે. તમારે તમારા હાથ શરીરની નજીક રાખવા પડશે અને તમારા પગને ફ્રન્ટફુટ પર મજબૂતીથી રાખવા પડશે. જો તમે આ બન્ને બાબત કરશો તો તમે સફળ થઈ શકો છો.’
નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ માટે સચિને કહ્યું કે ‘મારી સલાહ છે કે તેણે લોકો શું કહી રહ્યા છે એની ચિંતા ન કરવી જોઈએ. ભલે તેની કૅપ્ટન્સી આક્રમક હોય કે ડિફેન્સિવ હોય; તેણે ફક્ત ડ્રેસિંગ રૂમમાં શું ચર્ચા થઈ રહી છે એ જોવું જોઈએ. ક્ષણનો આનંદ માણો અને દેશ માટે તમારું શ્રેષ્ઠ આપો. દેશના હિતમાં જે શ્રેષ્ઠ હોય એ કરો. એ સિવાય બાકીની બધી બાબતો માટે દરવાજા બંધ કરો.’


