Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોરે નવ વર્ષ બાદ IPL ફાઇનલમાં મારી એન્ટ્રી, ચોથી વાર આવી ટ્રોફી જીતવાની તક

બૅન્ગલોરે નવ વર્ષ બાદ IPL ફાઇનલમાં મારી એન્ટ્રી, ચોથી વાર આવી ટ્રોફી જીતવાની તક

Published : 30 May, 2025 08:46 AM | Modified : 31 May, 2025 07:27 AM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના સ્પિનર સુયશ શર્મા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે તરખાટ મચાવ્યો, ૬૦ રનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ IPL પ્લેઑફ્સમાં સૌથી ઓછી ૧૪.૧ ઓવર રમીને ઑલઆઉટ થયું પંજાબ

બૅન્ગલોરના સ્પિનર સુયશ શર્મા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ૩-૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

બૅન્ગલોરના સ્પિનર સુયશ શર્મા અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ૩-૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.


પંજાબ માત્ર ૧૦૧ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું, બૅન્ગલોર ૧૦ ઓવરમાં ૧૦૬ રન બનાવીને ૮ વિકેટે મૅચ જીત્યું

ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં આયોજિત IPL 2025ની ક્વૉલિફાયર-વન મૅચમાં પંજાબ કિંગ્સને ૮ વિકેટે હરાવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. પંજાબની ટીમ IPL પ્લેઑફ્સમાં સૌથી ઓછી ૧૪.૧ ઓવર રમીને ૧૦૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જે પ્લેઑફ્સ ઇતિહાસનો પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર પણ હતો. બૅન્ગલોરે ઓપનર ફિલ સૉલ્ટની ૫૬ રનની ઇનિંગ્સના આધારે ૧૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૦૬ રન ફટકારીને ૧૦૨ રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.



સ્ટાર બૅટર વિરાટ કોહલીની બૅન્ગલોર ટીમ ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬ની સીઝનમાં IPL ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ૨૦૧૪માં એકમાત્ર ફાઇનલ રમનાર પંજાબની ટીમ એ વર્ષની જેમ આ વર્ષે પણ ક્વૉલિફાયર-વન હાર્યા બાદ ક્વૉલિફાયર-ટૂ રમીને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તકનો લાભ ઉઠાવશે.


ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પંજાબની ટીમે ૮.૫ ઓવરમાં ૬૦ રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (ત્રણ બૉલમાં બે રન) જેવા ધુરંધર બૅટર્સ ફ્લૉપ રહ્યા ત્યારે ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (૧૭ બૉલમાં ૨૬ રન), ઓપનર પ્રભસિમરન સિંહ (૧૦ બૉલમાં ૧૮ રન) અને ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઉમરઝાઈ (૧૨ બૉલમાં ૧૮ રન)ની ઇનિંગ્સના આધારે ૧૦૧ રનનો સ્કોર જ થઈ શક્યો હતો.

બૅન્ગલોરના યંગ સ્પિનર સુયશ શર્મા (૧૭ રનમાં ત્રણ વિકેટ)એ પોતાની IPL કરીઅરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઇન્જરીમાંથી શાનદાર વાપસી કરનાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (૨૧ રનમાં ૩ વિકેટ) અને યશ દયાલે (૨૬ રનમાં બે વિકેટ) પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડને પણ એક-એક વિકેટ મળી હતી. ફરી કૅપ્ટન્સી કરનાર રજત પાટીદારે બોલિંગ યુનિટનો યોગ્ય ઉપયોગ કરીને પંજાબને તેના જ હોમ ગ્રાઉન્ડમાં ઘૂંટણિયે પાડી દીધું હતું.


બૅન્ગલોરના ઓપનર ફિલ સૉલ્ટે (૨૭ બૉલમાં ૫૬ રન અણનમ) પહેલી ઓવરથી ૧૦મી ઓવર સુધી ટીમની ઇનિંગ્સ સંભાળી રાખી હતી. ૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારનાર આ અંગ્રેજ બૅટરની ઇનિંગ્સના આધારે બૅન્ગલોરે ૬૦ બૉલ પહેલાં જીત નોંધાવી હતી. સૉલ્ટ સિવાય વિરાટ કોહલી (૧૨ બૉલમાં ૧૨ રન) અને મયંક અગરવાલે (૧૩ બૉલમાં ૧૯ રન) પણ ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા. કૅપ્ટન રજત પાટીદારે (૮ બૉલમાં ૧૫ રન અણનમ) વિનિંગ સિક્સર ફટકારી નવ વર્ષ બાદ બૅન્ગલોરને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. પંજાબ માટે સ્પિનર મુશીર ખાન અને ફાસ્ટ બોલર કાઇલ જેમીસને ૨૭-૨૭ રન આપીને એક-એક વિકેટ લીધી હતી.

૧૩ વર્ષ બાદ કોઈ પ્લેયરે પ્લેઑફ્સમાં IPL ડેબ્યુ કર્યું

મુંબઈના ઑલરાઉન્ડર મુશીર ખાનને ગઈ કાલે પંજાબ કિંગ્સ તરફથી ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ડેબ્યુ કરવાની તક મળી હતી. જોકે આઠમા ક્રમે આવીને તે ૩ બૉલમાં ઝીરો રન બનાવીને સુયશ શર્મા સામે LBW આઉટ થયો હતો. પ્લેઑફ્સ દરમ્યાન કોઈ ક્રિકેટરે IPL ડેબ્યુ કર્યું હોય એવી આ માત્ર બીજી ઘટના છે. ૨૦૧૨માં દિલ્હી તરફથી બિહારના ક્રિકેટર સની ગુપ્તાએ આ રીતે ડેબ્યુ કર્યું હતું. ગજબની વાત તો એ છે કે તે ચેન્નઈ સામેની પ્લેઑફ્સ મૅચમાં ઝીરો રન બનાવીને આઉટ થયો હતો. મુશીર ખાનનો મોટો ભાઈ અને ભારતીય વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાન પણ IPL ડેબ્યુ કરી ચૂક્યો છે. એથી IPLને વધુ એક ભાઈઓની જોડી મળી છે. 

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 07:27 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK