વિરાટ કોહલીની રેકૉર્ડ ફિફ્ટી બાદ જિતેશ શર્મા અને મયંક અગરવાલની સદીની ભાગીદારીને આધારે બૅન્ગલોરે પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો : લખનઉના રિષભ પંતે ૫૪ બૉલમાં ફટકારેલી ધમાકેદાર સેન્ચુરી એળે ગઈ
જિતેશ શર્મા અને મયંક અગરવાલે શાનદાર પાર્ટનરશિપ કરીને બૅન્ગલોર માટે ઐતિહાસિક રન-ચેઝ કર્યા.
લખનઉએ ત્રણ વિકેટે ૨૨૭ રન બનાવ્યા, બૅન્ગલોરે ૪ વિકેટ ગુમાવી ૨૩૦ રન ફટકારીને ૬ વિકેટે મૅચ જીતી લીધી
IPL 2025ની ૭૦મી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ૬ વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને ટૉપ-ટૂમાં સ્થાન મેળવી લીધું હતું. લખનઉએ પોતાના કૅપ્ટન રિષભ પંતની ૧૧૮ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને ૨૨૭ રન ફટકાર્યા હતા. બૅન્ગલોરની ટીમે વિરાટ કોહલીની રેકૉર્ડ ૬૩મી IPL ફિફ્ટી બાદ જિતેશ શર્મા અને મયંક અગરવાલની સદીની પાર્ટનરશિપની મદદથી ચાર વિકેટે ૧૮.૪ ઓવરમાં ૨૩૦ રન ફટકારીને પોતાનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બૅન્ગલોરે એક સીઝનમાં હરીફ ટીમના મેદાન પર સાતેય મૅચ જીતવાનો રેકૉર્ડ પણ કર્યો હતો.
ADVERTISEMENT
૧૯ પૉઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચતાં જ બૅન્ગલોર હવે પંજાબ સામે ક્વૉલિફાયર-વન રમશે, જ્યારે બીજાથી ત્રીજા ક્રમે પહોંચેલી ગુજરાતની ટીમ મુંબઈ સામે એલિમિનેટર મૅચ રમશે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરનાર લખનઉના કૅપ્ટન રિષભ પંતે (૬૧ બૉલમાં ૧૧૮ રન અણનમ) ઓપનર મિચલ માર્શ (૩૭ બૉલમાં ૬૭ રન) સાથે મળીને ટીમની બીજી વિકેટ માટેની હાઇએસ્ટ ૧૫૨ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવેલા પંતે સીઝનની પહેલી ૧૩ ગ્રુપ-સ્ટેજ મૅચમાં માત્ર ૧૫૧ રન કર્યા હતા, પણ અંતિમ મૅચમાં અતરંગી શૉર્ટ રમીને તેણે શાનદાર ૧૧૮ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૧૦ બૉલમાં ૧૩ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૨૨૭ કર્યો હતો. બૅન્ગલોર તરફથી ફાસ્ટ બોલર્સ ભુવનેશ્વર કુમાર, નુવાન તુષારા અને રોમારિયો શેફર્ડને ૧-૧ સફળતા મળી હતી.
વિશાળ ટાર્ગેટ સામે બૅન્ગલોરના ઓપનર્સ ફિલ સૉલ્ટ (૧૯ બૉલમાં ૩૦ રન) અને વિરાટ કોહલી (૩૦ બૉલમાં ૫૪ રન)એ ૬૧ રનની ભાગીદારીથી સારી શરૂઆત અપાવી હતી. આ સીઝનમાં પહેલી વાર કોઈ ટીમે સિક્સર ફટકાર્યા વગર પાવરપ્લેમાં ૬૦ પ્લસ રનનો સ્કોર કર્યો હતો. સ્ટૅન્ડ ઇન કૅપ્ટન જિતેશ શર્મા (૩૩ બૉલમાં ૮૫ રન અણનમ) અને મયંક અગરવાલે (૨૩ બૉલમાં ૪૧ રન અણનમ) પાંચમી વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી કરીને બૅન્ગલોર માટે ઐતિહાસિક રન-ચેઝ કર્યો હતો.


