તિરુવનંતપુરમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં ભારતની જીત બાદ હોટેલ પહોંચેલા રોહિત શર્મા ટીમ-બસમાંથી ઊતરતી વખતે લપસી પડ્યો હતો. સિક્યૉરિટી ગાર્ડ્સ મદદ માટે દોડ્યા, પરંતુ રોહિતે જાતે જ સંતુલન મેળવી લીધું હતું.
રોહિત શર્મા
તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની જીત પછી રોહિત શર્માનો એક વિડિયો વાઇરલ થયો હતો. હોટેલ પહોંચ્યા પછી રોહિત શર્મા ટીમ-બસમાંથી નીચે ઊતરતી વખતે લપસી પડ્યો હતો.
સિક્યૉરિટી ગાર્ડ્સ ૩૯ વર્ષના રોહિત શર્માને ઊંચકવા માટે તેની તરફ તરફ દોડી ગયા હતા પરંતુ તેણે જાતે જ ઝડપથી પોતાનું સંતુલન પાછું મેળવી લીધું હતું અને આગળ ચાલવા લાગ્યો હતો.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના પ્રખ્યાત સ્ટેડિયમ-ડ્રમર દેવાનું નિધન
ADVERTISEMENT
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની મૅચો દરમ્યાન જાણીતો ચહેરો બનેલા અને ‘કન્નડના શિવમણિ’ તરીકે પ્રખ્યાત ડ્રમર દેવાનું ૬૪ વર્ષની ઉંમરે અવસાન થયું છે.
ડ્રમર દેવા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર સ્ટ્રોક બાદ ગૅન્ગરિનને કારણે તેમનો જમણો પગ કાપવો પડ્યો હતો. આ અનુભવી પર્કશનિસ્ટે ઇલૈયારાજા સહિતના અનેક જાણીતા સંગીતનિર્દેશકો કામ કર્યું હતું.
પાકિસ્તાની મહિલા ક્રિકેટર્સની અનોખી ટ્રેઇનિંગ ડ્રિલનો વિડિયો વાઇરલ થયો
પાકિસ્તાની મહિલા ક્રિકેટરોની એક અનોખી ટ્રેઇનિંગ ડ્રિલનો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં મહિલા ક્રિકેટરો એકબીજાના શરીરને ટેકો આપીને જમીન પર ઊભા રહેવામાં બૅલૅન્સ બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
સોશ્યલ મીડિયા પર લોકોએ લખ્યું કે ‘તેઓ ક્રિકેટમાં કંઈ હાંસલ કરી શકતી નથી તેથી તેમને કન્ટેન્ટ બનાવવા દો. તેઓ અંગ્રેજી મૂળાક્ષરનો કયો અક્ષર બનાવવાનો પ્રયાસ કરી રહી છે? આ પ્રકારની તાલીમને શું કહેવાય?’
વિથ્યા રામરાજે એશિયન ગેમ્સમાં પાંચમો મેડલ જીત્યો
મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ રેસમાં ૪૨ વર્ષ જૂનો નૅશનલ રેકૉર્ડ તોડ્યો
ભારતીય ઍથ્લીટ વિથ્યા રામરાજે ગઈ કાલે મહિલાઓની ૪૦૦ મીટર હર્ડલ રેસની ફાઇનલમાં ત્રીજું સ્થાન મેળવીને એશિયન ગેમ્સમાં પાંચમો મેડલ જીત્યો.
તામિલનાડુની ૨૮ વર્ષની વિથ્યાએ ૫૪.૭૫ સેકન્ડનો સમય નોંધાવીને રાષ્ટ્રીય રેકૉર્ડ પણ તોડ્યો. તેણે ભૂતપૂર્વ ઍથ્લીટ પી.ટી. ઉષા દ્વારા ૧૯૮૪માં સ્થાપિત ૫૫.૪૨ સેકન્ડના આ રેસના ભારતીય તરીકેના રેકૉર્ડને પાછળ છોડ્યો હતો.
વિથ્યા રામરાજે ૨૦૨૨માં ૪x૪૦૦ રીલે ટીમ ઇવેન્ટમાં સિલ્વર, ૪x૪૦૦ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર અને ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2026માં હાલમાં તે ૪x૪૦૦ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીતનાર ભારતીય ટીમનો ભાગ હતી.
જપાનમાં સતત બીજા દિવસે બ્રૉન્ઝ જીત્યો મહિલા ઍથ્લીટ પારુલ ચૌધરીએ
લાંબા અંતરની દોડવીર પારુલ ચૌધરીએ એશિયન ગેમ્સ 2026માં સતત બીજા દિવસે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. ગઈ કાલે તેણે મહિલાઓની ૫૦૦૦ મીટર ફાઇનલમાં ૧૫:૧૪:૬૧ના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. રવિવારે તેણે મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
ઉત્તર પ્રદેશની ૩૧ વર્ષની પારુલ ચૌધરી ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં સિલ્વર મેડલ અને મહિલાઓની ૫૦૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતી હતી. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવામાં તે નિષ્ફળ રહી હતી.
એશિયન ગેમ્સની સતત બીજી સીઝનમાં મુરલી શ્રીશંકરે લૉન્ગ જમ્પનો સિલ્વર જીત્યો
કેરલમના ૨૭ વર્ષના ખેલાડી મુરલી શ્રીશંકરે કૉમનવેલ્થ ગેમ્સની જેમ એશિયન ગેમ્સમાં પણ સતત બે સીઝનમાં લૉન્ગ જમ્પનો સિલ્વર જીત્યો છે. ગઈ કાલે તેણે પુરુષોના લૉન્ગ જમ્પમાં બીજા પ્રયાસમાં ૮.૦૭ મીટરની શાનદાર છલાંગ સાથે મેડલની રેસમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ચોથી કૂદ દરમ્યાન તેની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે તે છેલ્લા બે પ્રયાસોમાં ભાગ લઈ શક્યો નહોતો.
એશિયન ગેમ્સના જૅવલિન થ્રોમાં ભારતના ગોલ્ડનો સિલસિલો અટક્યો
શ્રીલંકાના રુમેશ પથિરગેએ ગોલ્ડ જીત્યો, યશવીરે સિલ્વર અને રોહિતે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારત પુરુષોની જૅવલિન થ્રો સ્પર્ધામાં પોતાનો ગોલ્ડ મેડલ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું. શ્રીલંકાના રુમેશ પથિરગેએ ૮૮.૫૫ મીટરના થ્રો સાથે ફાઇનલ જીતી લીધી હતી.ભારતના યશવીર સિંહે ૮૫.૭૨ મીટરના પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે રોહિત યાદવે ૮૪.૩૫ મીટર સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો. ઇન્જરીને કારણે ૨૦૨૬ની આવૃત્તિમાં ભાગ ન લેનાર નીરજ ચોપડાએ અગાઉની બે આવૃત્તિઓમાં સુવર્ણ પદક જીત્યા હતા.
ગુલવીર સિંહે પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી સિલ્વર મેડલ જીત્યો
માત્ર ૦.૩૭ સેકન્ડથી ગોલ્ડ ચૂક્યો
ભારતીય ઍથ્લીટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. ઉત્તર પ્રદેશના ૨૮ વર્ષના ગુલવીર સિંહે ફાઇનલમાં ૩:૩૬:૭૨નો સમય નોંધાવ્યો જે તેનું આ કૅટેગરીમાં નવું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન છે.૧૨ સ્પર્ધકોની ફાઇનલમાં જપાનનો હરીફ ૩:૩૬:૩૫ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુલવીર સિંહ માત્ર ૦.૩૭ સેકન્ડથી ગોલ્ડ મેડલ ચૂક્યો હતો. ૨૬ સપ્ટેમ્બરે ગુલવીર સિંહે પુરુષોની ૧૦,૦૦૦ મીટર દોડમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2022માં તેણે ૧૦,૦૦૦ મીટર દોડમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
