શ્રેયસ ઐયર, ઈશાન કિશન અને તિલક વર્મા રેસમાં : કૅપ્ટન તરીકે સંજુ સૅમસનના વિકલ્પ પર હેડ કોચ અને સિલેક્શન કમિટી વચ્ચે મતભેદ...
સૂર્યકુમાર યાદવ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના વિજયી અભિયાન બાદ ભારતની T20 ટીમમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે. ૨૦૨૮ની ઑલિમ્પિક્સ અને મેન્સ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કોઈ યુવા ખેલાડીને કૅપ્ટન્સી સોંપવામાં આવી શકે છે. સૂર્યાનું વર્તમાન બૅટિંગ ફૉર્મ પણ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
અહેવાલો અનુસાર ૩૧ વર્ષના શ્રેયસ ઐયર, ૨૭ વર્ષના ઈશાન કિશન અને ૨૩ વર્ષના તિલક વર્માને કૅપ્ટનપદ દાવેદાર માટે સિલેક્શન કમિટીએ શૉર્ટલિસ્ટ કર્યા છે. શ્રેયસ ઐયરે IPLમાં પંજાબ કિંગ્સ માટે, ઈશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટમાં અને તિલક વર્માએ ઇન્ડિયા-Aના કૅપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. કેટલાક રિપોર્ટ એવો દાવો કરી રહ્યા છે કે હેડ કોચ ગૌતમ ગંભીર સંજુ સૅમસનને કૅપ્ટન બનાવવા ઇચ્છે છે. જોકે આ નામ પર સિલેક્શન કમિટી અને હેડ કોચ વચ્ચે મતભેદ છે.
સતત બે IPL ટાઇટલ જીતનાર રજત પાટીદાર અને છેલ્લી સીઝનના ઑરેન્જ કૅપ હોલ્ડર વૈભવ સૂર્યવંશી ભારતની T20 ટીમમાં સ્થાન મેળવી શકે છે. અહેવાલો અનુસાર આગામી ૬ જૂને આયરલૅન્ડ, ઇંગ્લૅન્ડ સિરીઝ સાથે એશિયન ગેમ્સની T20 ટીમો માટેની સ્ક્વૉડની પસંદગી થવાની છે. સ્ક્વૉડની જાહેરાત સમયે કૅપ્ટનપદમાં ફેરફારને ઔપચારિક મંજૂરી મળે એવી શક્યતા છે.
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે?
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત એશિયા કપ અને T20 વર્લ્ડ કપ જેવાં મોટાં ટાઇટલ જીત્યું છે. હમણાં સુધી સૂર્યાએ કૅપ્ટન તરીકે બાવનમાંથી ૪૨ મૅચ જિતાડી છે, ૮ મૅચમાં હાર મળી છે જ્યારે બે મૅચ વરસાદને કારણે રદ રહી હતી. ભારતના કૅપ્ટન તરીકે સૂર્યાએ ૪૯ ઇનિંગ્સમાં ૮ ફિફ્ટી અને એક સદીની મદદથી ૧૨૩૨ રન કર્યા છે.
