બૅન્ગલોરનો ૧૭૬ રનનો ટાર્ગેટ દિલ્હીએ એક બૉલ પહેલાં ૧૭૯ રન કરીને ચેઝ કર્યો, સતત પાંચ જીત બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમની હાર
મૅચ પછી દિલ્હીના ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરને અભિનંદન આપતા બૅન્ગલોરના ખેલાડીઓ.
ગઈ કાલે બપોરે IPL 2026ની ૨૬મી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને દિલ્હી કૅપિટલ્સ સામે ૬ વિકેટે હાર મળી હતી. ઓપનર ફિલ સૉલ્ટની ૬૩ રનની ઇનિંગ્સના આધારે બૅન્ગલોરે ૧૭૫-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં કે.એલ. રાહુલના ૫૭ રન અને ટ્રિસ્ટન સ્ટબ્સના ૬૦ રનની મદદથી ૧૯.૫ ઓવરમાં ૧૭૯-૪નો સ્કોર કરી દિલ્હી વર્તમાન સીઝનમાં હારની હૅટ-ટ્રિકથી બચ્યું હતું. બૅન્ગલોર ગઈ કાલે હારીને સીઝનમાં બીજી વખત જીતની હૅટ-ટ્રિક કરતાં ચૂકી ગયું છે. સતત પાંચ જીત બાદ બૅન્ગલોરને પોતાના ગઢમાં પણ હાર મળી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરી રહેલા બૅન્ગલોર માટે ઓપનર ફિલ સૉલ્ટે ૧૬૫.૭૯ના સ્ટ્રાઇક-રેટથી મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે ૩૮ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સના આધારે ૬૩ રન કર્યા હતા. એના સિવાય ટિમ ડેવિડે ૧૭ બૉલમાં ૨૬ રન કર્યા હતા. વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે ૧૩-૧૩ બૉલમાં અનુક્રમે ૧૯ અને ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર્સ અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સહિત ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ દિલ્હી માટે ૨-૨ વિકેટ લીધી હતી. રનચેઝ દરમ્યાન દિલ્હીએ ૨.૫ ઓવરમાં ૧૮ રને ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ૪ ઓવરમાં ૨૬ રન આપીને બૅન્ગલોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ ત્રણેય વિકેટ પાવરપ્લેમાં લીધી હતી. લોકલ-બૉય કે.એલ. રાહુલ પોતાની વર્ષગાંઠના દિવસે ૩૪ બૉલમાં ૬ ફોર અને ૨ સિક્સની મદદથી ૫૭ રન કરીને કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ ૪૭ બૉલમાં ૪ ફોર અને એક સિક્સના આધારે ૬૦ બૉલની અણનમ મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. રિટાયર્ડ હર્ટ અક્ષર પટેલે ૧૯ બૉલમાં ૨૬ રન અને ડેવિડ મિલરે ૧૦ બૉલમાં બાવીસ રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરમાં ૧૫ રન જોઈતા હતા ત્યારે ડેવિડ મિલરે ઉપરાઉપરી બે સિક્સ ફટકારીને ગુજરાત સામેની મૅચમાં થયેલા હાર્ટ-બ્રેકનું સાટું વાળ્યું હતું.
એક વેન્યુ પર ૧૦૦મી IPL મૅચ રમનાર પહેલી ટીમ બની બૅન્ગલોર
ADVERTISEMENT
બૅન્ગલોરની ટીમ એક વેન્યુ પર ૧૦૦ IPL મૅચ રમનારી પહેલી ટીમ બની છે. આ લિસ્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ ઈડન ગાર્ડન્સમાં ૯૮ મૅચ અને મુંબઈ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમમાં ૯૫ મૅચ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. ૨૦૦૮ની ૧૮ એપ્રિલે IPLની પહેલી મૅચ બૅન્ગલોરે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમી હતી. વર્ષ ૨૦૧૬માં બૅન્ગલોરની ટીમ આ મેદાન પર દિલ્હી સામે ૫૦મી મૅચ રમી હતી. ગઈ કાલે દિલ્હી સામે જ ૧૦૦મી મૅચ રમવા પણ ઊતરી હતી. જોકે આ ત્રણેય માઇલસ્ટોન મૅચમાં બૅન્ગલોરને હાર મળી છે.
વર્ષગાંઠના દિવસે IPLમાં ફરી ફિફ્ટી ફટકારી કે.એલ. રાહુલે
ગઈ કાલે IPLની સાથે કે.એલ. રાહુલની પણ વર્ષગાંઠ હતી. તે ગઈ કાલે ૩૪ વર્ષનો થયો હતો. તે પોતાની વર્ષગાંઠના દિવસે ચોથી વખત IPL મૅચ રમ્યો હતો. તેણે વર્ષગાંઠના દિવસે બે IPL ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ કર્યો છે. અગાઉ તેણે ૨૦૨૧માં વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ તરફથી દિલ્હી કૅપિટલ્સ સામે ૫૧ બૉલમાં ૬૧ રન ફટકાર્યા હતા. એના સિવાય માઇક હસી (૨૦૧૨) અને ડેવિડ વૉર્નર (૨૦૨૦) પોતાની વર્ષગાંઠના દિવસે ફિફ્ટી ફટકારી ચૂક્યા છે.
