આ સંશોધન બિલ મહિલાઓ માટે નહીં પણ સીમાંકન માટે જ હતું, મહિલાઓના માધ્યમથી સત્તામાં બની રહેવાનું ષડ્યંત્ર અમે નાકામ કર્યું
પ્રિયંકા ગાંધી
શુક્રવારે લોકસભામાં સરકારે રજૂ કરેલું મહિલા અનામત સંશોધન બિલ પાસ ન થઈ શક્યું એને કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ લોકશાહીની મોટી જીત ગણાવી હતી. ગઈ કાલે ખાસ બોલાવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે ‘આ સરકારનું ષડ્યંત્ર હતું. લોકશાહીને નબળી પાડવાની સાઝિશને રોકવામાં આવી. આ સંવિધાનનો, દેશનો અને વિપક્ષની એકતાનો વિજય હતો. તેઓ મહિલાઓના નામ પર ષડયંત્ર કરી રહ્યા હતા. તમે સંસદમાં ઊભા થઈને મહિલાઓના મસીહા બનવા માગતા હતા; પરંતુ એ સાફ હતું કે આ બિલ મહિલાઓ માટે નહીં, સીમાંકન માટે હતું. હું ખુશ છું કે વિપક્ષે વિરોધ કર્યો. બ્લૅક ડે તેમના માટે છે કેમ કે તેમના ઇરાદા સફળ નથી થયા. કેન્દ્ર સરકારે વિચાર્યું હતું કે બિલ પાસ થઈ જશે તો-તો તેમની જીત નિશ્ચિત જ છે, પણ જો પાસ નહીં થાય તો વિપક્ષી નેતાઓને મહિલાવિરોધી સાબિત કરીને મહિલાઓના મસીહા બની જઈશું. વડા પ્રધાન અનેક વાર ભાષણમાં કહી ચૂક્યા હતા કે જો તમે સહમત નહીં થાઓ તો અહીં બેસી નહીં શકો. મને આશ્ચર્ય થાય છે કે તેમનો ઇરાદો શું હતો?’
દેશભરમાં મહિલા અનામત સંશોધન બિલના સમર્થકોનું પ્રદર્શન
ગઈ કાલે દિલ્હીમાં BJP કાર્યકર્તાઓનું એક ટોળું વિરોધ-પ્રદર્શન લઈને રાહુલ ગાંધીના ઘર પાસે પહોંચી ગયું હતું. દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સમર્થકો સાથે રાહુલ ગાંધીના ઘર સુધી માર્ચ લઈને નીકળ્યાં હતાં. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ બિલ પાસ ન થઈ શક્યું એના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. એમાં તેલુગુ દેસમ પાર્ટી, જનસેના અને BJPના નેતાઓ જોડાયા હતા.
ADVERTISEMENT
૨૦૨૩માં પાસ થયેલા બિલમાં પણ સીમાંકનનો ઉલ્લેખ હતો જ: સ્મૃતિ ઈરાની
વિરોધ પક્ષો લોકસભામાં ૨૦૨૩માં પાસ થયેલા બિલનું સમર્થન કરવા તૈયાર છે એવી દલીલો કરી રહ્યા છે એનો જવાબ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘આજે કૉન્ગ્રેસની પ્રેસ-કૉન્ફરન્સમાં કહેવાયું કે તેઓ એ મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરે છે જે ૨૦૨૩માં પાસ થયેલું. એમાં પણ સીમાંકનનો ઉલ્લેખ છે જ. તો આ બિલમાં નવું શું થયું? કૉન્ગ્રેસનાં બેવડાં ધારાધોરણો તો જુઓ? તેઓ એમ પણ કહે છે કે આ પ્રક્રિયા માટે આપવામાં આવેલાં વચનો અને તૈયારીઓ પર ભરોસો નથી. કૉન્ગ્રેસને દેશની સંવિધાનિક વ્યવસ્થાઓ પર, સંસદ પર અને દેશની મહિલાઓ પર કોઈ ભરોસો છે જ નહીં?’
