શુભમન ગિલને સુકાની બનાવવામાં આવ્યો એ પહેલાં શૂટ થયેલા શોમાં તેણે રવિચન્દ્રન અશ્વિનને જણાવી હતી રિટાયરમેન્ટ પહેલાંની છેલ્લી ઇચ્છા
મેદાન પર હરીફ ટીમને હેરાન કરતી ભારતીય સ્પિનર્સની આ જોડી પૉડકાસ્ટ પર સાથે જોવા મળી હતી.
ઇંગ્લૅન્ડની આગામી ટેસ્ટ-ટૂરમાં ભારતીય ટીમનો સૌથી અનુભવી પ્લેયર ૩૬ વર્ષનો રવીન્દ્ર જાડેજા છે જે યુવા કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન રિષભ પંતના નેતૃત્વમાં રમતો જોવા મળશે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનના પૉડકાસ્ટમાં સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે રિટાયરમેન્ટ પહેલાં ટેસ્ટ-કૅપ્ટન્સી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પૉડકાસ્ટમાં જ્યારે અશ્વિને પૂછ્યું કે ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલાં તારી છેલ્લી ઇચ્છા શું છે ત્યારે એનો જવાબ આપતાં જાડેજાએ કહ્યું, ‘હવે ફક્ત એક જ વસ્તુ બાકી છે, ટેસ્ટ-કૅપ્ટન્સી. મેં બાકીનું બધું જ હાંસલ કર્યું છે અને ટેસ્ટ-કૅપ્ટન બનવું કે ભારતનું નેતૃત્વ કરવું એ ગર્વની વાત છે. ટીમને કેવી રીતે ચલાવવી એ વિશે દરેક કૅપ્ટનની અલગ-અલગ વિચારસરણી હોય છે.’ ઇંગ્લૅન્ડ માટેની સ્ક્વૉડ જાહેર થઈ એ પહેલાં અશ્વિન સાથે આ પૉડકાસ્ટ શૂટ થયો હતો અને બુધવારે એને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ચોકીદાર પપ્પાની ઇચ્છા હતી કે દીકરો આર્મીમૅન બને
રવીન્દ્ર જાડેજાના પપ્પા અનિરુદ્ધ સિંહ જાડેજા એક ખાનગી સુરક્ષા એજન્સી માટે ચોકીદારનું કામ કરતા હતા. રવીન્દ્રએ ખુલાસો કર્યો કે તેના પપ્પા ક્રિકેટની તેની મહત્ત્વાકાંક્ષાઓની સખત વિરુદ્ધ હતા અને તેને ઘરમાં આ રમતનો ઉલ્લેખ ન કરવાની ચેતવણી પણ આપી હતી. તેના પપ્પાના સેનામાં ઘણા મિત્રો હતા જેના કારણે તે રવીન્દ્રને આર્મીમૅન બનાવવા માગતા હતા. ક્રિકેટ માટે શરૂઆતથી જ જાડેજાને તેની મમ્મી અને બહેન તરફથી સપોર્ટ મળ્યો હતો.
બિહારના બે મહેન્દ્ર સિંહ વચ્ચે રહી છે જાડેજાની ક્રિકેટ-સફર
રવીન્દ્ર જાડેજાએ આ પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે ૮-૯ વર્ષનો હતો ત્યારે ક્રિકેટ બંગલા નામના મેદાનમાં તેણે બિહારના મહેન્દ્ર સિંહ ચૌહાણના કોચિંગ હેઠળ ક્રિકેટની તાલીમ લીધી હતી. તેઓ ૧૫-૨૦ કિલોમીટર દોડાવતા અને ચોમાસામાં પાણીથી ભરાયેલા મેદાનમાં ડાઇવ લગાવી કૅચિંગ-પ્રૅક્ટિસ કરાવતા. એની અસર આજે જાડેજાની ફિટનેસ અને ફીલ્ડિંગમાં જોવા મળે છે. તેણે એ પણ ઉમેર્યું કે મેં માહીભાઈને એમ પણ કહ્યું છે કે મારી ક્રિકેટ-સફર બે મહેન્દ્ર સિંહ (મહેન્દ્ર સિંહ ચૌહાણ અને મહેન્દ્ર સિંહ ધોની) વચ્ચે રહી છે.


