છેલ્લી સીઝનમાં પંજાબ ફાઇનલ મૅચ અને ગુજરાત એલિમિનેટર મૅચ હાર્યું હતું, છેલ્લી સીઝનમાં પંજાબ કિંગ્સ બૅન્ગલોર સામે ક્વૉલિફાયર-વન હાર્યા બાદ ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈ સામે જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું.
મુલ્લાનપુરમાં પ્રૅક્ટિસ કરતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ અને પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર, પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મજાક-મશ્કરી કરતા સ્પિનર્સ રાશિદ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.
ન્યુ ચંડીગઢસ્થિત મુલ્લાનપુરના સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટક્કર થશે. IPL 2026ની આ ચોથી મૅચ જીતીને શ્રેયસ ઐયર અને શુભમન ગિલની ટીમ નવી સીઝનમાં મજબૂત શરૂઆતની આશા સાથે ઊતરશે. વર્તમાન સીઝન આ બન્ને કૅપ્ટનની T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
છેલ્લી સીઝનમાં પંજાબ કિંગ્સ બૅન્ગલોર સામે ક્વૉલિફાયર-વન હાર્યા બાદ ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈ સામે જીતીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે બૅન્ગલોર સામે ફાઇનલ મૅચમાં એને ૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ એલિમિનેટરમાં મુંબઈ સામે હારીને ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થયું હતું.
ગુજરાત ટાઇટન્સે મુલ્લાનપુરના સ્ટેડિયમમાં બે મૅચમાં એક જીત અને એક હાર મેળવી છે. પંજાબ કિંગ્સ આ મેદાન પર દસમાંથી માત્ર ૩ મૅચ જીત્યું છે અને ૭ મૅચ હાર્યું છે. આ મેદાન પર ૨૦૨૪માં થયેલી બન્ને ટીમની એકમાત્ર ટક્કરમાં ગુજરાતે ૩ વિકેટે જીત મેળવી હતી.
બન્ને વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
મૅચ - ૬
પંજાબની જીત - ૩
ગુજરાતની જીત - ૩
