ટીમ-બસમાં અર્શદીપ સિંહ સહિતના ખેલાડીએ કૉપી-પેસ્ટ કહીને કરી મશ્કરી
પંજાબ કિંગ્સે માર્કો યાન્સેનના જોડિયા ભાઈ ડ્વાનને નેટ-બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો
સાઉથ આફ્રિકાના બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યાન્સેનનો જોડિયો ભાઈ ડ્વાન યાન્સેન હાલમાં પંજાબ કિંગ્સની બસમાં જોવા મળ્યો હતો. પંજાબ કિંગ્સે સીઝનની વચ્ચે ડાબોડી ફાસ્ટ બોલર ડ્વાન યાન્સેનને નેટ-બોલર તરીકે સામેલ કર્યો છે. એક મેના રોજ બન્ને ૨૬ વર્ષના થયા હતા. પંજાબ કિંગ્સની ટીમ-બસમાં બન્ને જોડિયા ભાઈઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ટીમમાં સૌથી પાછલી સીટ પર બેસતા આ ભાઈઓનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ માર્કો યાન્સેન કોણ છે એ ઓળખી શક્યા નહોતા. ટીમ-બસમાં બન્નેને કૉપી-પેસ્ટ કહીને મશ્કરી કરવામાં આવી રહી હતી. ડ્વાન યાન્સેન ૨૦૨૩માં ૨૦ લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સ માટે એકમાત્ર મૅચ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. આ મૅચમાં તેણે ૫૩ રન આપીને એક વિકેટ લીધી હતી. હજી સુધી તે સાઉથ આફ્રિકા માટે ડેબ્યુ કરી શક્યો નથી. ડાબોડી ફાસ્ટ બોલર અને ઑલરાઉન્ડર માર્કો ૨૦૨૧માં મુંબઈ, ૨૦૨૨થી ૨૦૨૪ સુધી હૈદરાબાદ અને ૨૦૨૫થી પંજાબ માટે રમી રહ્યો છે. ૪૪ IPL મૅચમાં તેણે ૪૨ વિકેટ ઝડપી છે.
