આૅસ્ટ્રેલિયન ક્રિકેટરો પૅટ કમિન્સ અને ટ્રૅવિસ હેડને આવી આૅફર મળી હોવાની અને તેમણે ઠુકરાવી દીધી હોવાની ચર્ચા
ટ્રૅવિસ હેડ, પૅટ કમિન્સ
દર વર્ષે નવી-નવી લીગ ટુર્નામેન્ટ શરૂ થઈ હોવાથી ક્રિકેટ પંડિતોએ ક્રિકેટની હાલત પણ ફુટબૉલ જેવી થશે એવી આશંકા વ્યક્ત કરી હતી. ફુટબૉલમાં ખેલાડીઓ પોતાના દેશની નૅશનલ ટીમ વતી રમવાને બદલે પ્રીમિયર લીગ કે યુરોપિયન લીગ વગેરેમાં રમવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. ક્રિકેટમાં પણ એવા દિવસો હવે બહુ નથી. એક અહેવાલ પ્રમાણે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ અને આક્રમક ઓપનર ટ્રૅવિસ હેડને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને વર્ષભર એક ફ્રૅન્ચાઇઝી વતી જુદી-જુદી લીગમાં રમતા રહેવા ૧૦ મિલ્યન ઑસ્ટ્રેલિયન ડૉલર (આશરે ૫૮ કરોડ રૂપિયા)ની ઑફર મળી છે. જોકે રિપોર્ટ પ્રમાણે આ બન્ને ખેલાડીઓએ આ લલચામણી ઑફરને ઠુકરાવી દીધી છે.
કમિન્સ અને હેડ બન્ને ઇન્ડિયન પ્રીમિયર લીગની સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા હોવાથી એ જ ફ્રૅન્ચાઇઝીએ આ ઑફર કરી હોવાની ચર્ચા છે. હૈદરબાદ ફ્રૅન્ચાઇઝી કૅરિબિયન પ્રીમિયર લીગ, અમેરિકાની મેજર લીગ ક્રિકેટ, ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ વગેરે લીગમાં ફ્રૅન્ચાઇઝી ધરાવતી હોવાથી તેઓ અમુક દિગ્ગ્જ ખેલાડીઓ તેમની સાથે વર્ષભર જોડાયેલા રહે તો ટીમમાં સાતત્ય રહે એવું માની રહી છે.
ADVERTISEMENT
કમિન્સને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વતી રમવાના વર્ષે ૧૭.૫ કરોડ રૂપિયા મળે છે અને સનરાઇઝર હૈદરાબાદ વતી રમવાના ૧૮ કરોડ રૂપિયા મળે છે. બન્ને મળીને ૩૫.૫ કરોડ રૂપિયા થાય છે. એની સામે તેને ૫૮ કરોડ રૂપિયા ઑફર કરવામાં આવ્યા છે.
અત્યારે તો બન્ને દિગ્ગજો આવી લોભામણી ઑફરથી નથી લલચાયા, પણ કેટલા દિવસો સુધી તેઓ કે અન્ય ખેલાડીઓ પોતાને આવી ઑફરથી બચાવી શકે છે એ જોવું રસપ્રદ બની રહેશે.
ઍશિઝની પ્રથમ ટેસ્ટ કદાચ ગુમાવશે ઇન્જર્ડ પૅટ કમિન્સ
પર્થમાં રમાનારી ઇંગ્લૅન્ડ સામેની આગામી ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન કમિન્સ ઇન્જરીને લીધે કદાચ નહીં રમી શકે. ઇન્જરીને લીધે સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ બાદ ભારત સામેની વન-ડે અને T20 સિરીઝમાં પણ તે નથી રમી રહ્યો.


