IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર સદી ફટકાર્યા બાદ ઓપનર અભિષેક શર્માએ પોતાના ઑરેન્જ આર્મી માટે કરેલું પેપર નોટ સેલિબ્રેશન ખૂબ વાઇરલ થયું હતું
અભિષેક શર્મા
IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શાનદાર સદી ફટકાર્યા બાદ ઓપનર અભિષેક શર્માએ પોતાના ઑરેન્જ આર્મી માટે કરેલું પેપર નોટ સેલિબ્રેશન ખૂબ વાઇરલ થયું હતું. તેના આ સેલિબ્રેશન માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન સાથેની એક મહત્ત્વપૂર્ણ વાતચીત મુખ્ય કારણ બની હતી.
અભિષેક શર્માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘શિખર ધવને મને અભિવ્યક્તિનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેણે મને તેના ઘરે વાત કરવા માટે બોલાવ્યો. તેણે મને ડાયરી લખવાનું શરૂ કરાવ્યું હતું. હું ભારતનો શ્રેષ્ઠ ક્રિકેટર છું અને હું ટીમ માટે ઘણી મૅચ જીત્યો છું એવું તેણે મારી પાસે લખાવ્યું હતું.’
ADVERTISEMENT
પોતાના આઇકૉનિક સેલિબ્રેશન વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું દરેક મૅચ પહેલાં સવારે ડાયરી લખું છું. એથી મેં એક પેપર-નોટ લખવાનું નક્કી કર્યું હતું. મેં લખ્યું કે ‘આ સદી ઑરેન્જ આર્મી માટે છે’ અને એ નોટ મેં મારા ખિસ્સામાં રાખી હતી. જ્યારે હું મારી અડધી સદી સુધી પહોંચ્યો ત્યારે મને યાદ પણ નહોતું કે મારી પાસે એ નોટ છે. હું રમતો રહ્યો અને જ્યારે મેં સદી ફટકારી ત્યારે મને એ યાદ આવ્યું અને એને બહાર કાઢી.’


