ગઈ કાલે પ્રગટ થયેલા ઇંગ્લૅન્ડના વિસ્ડન ક્રિકેટર્સ અલ્મનાકમાં સૂર્યાને ૨૦૨૨નો ‘લિડિંગ ટી૨૦ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ’ ઘોષિત કર્યો છે
હરમનપ્રીત કૌર ફાઇલ તસવીર
હરમનપ્રીતે રચ્યો ઇતિહાસ, સૂર્યા પણ વિસ્ડનના ટૉપર્સમાં
સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં હજી અસલ ફૉર્મમાં નથી આવ્યો, પરંતુ ૨૦૨૨માં તેણે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં જે જબરદસ્ત પર્ફોર્મ કર્યું એની કદર હજી પણ થઈ રહી છે. ગઈ કાલે પ્રગટ થયેલા ઇંગ્લૅન્ડના વિસ્ડન ક્રિકેટર્સ અલ્મનાકમાં સૂર્યાને ૨૦૨૨નો ‘લિડિંગ ટી૨૦ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ’ ઘોષિત કર્યો છે. જોકે ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચ્યો છે. તે વિસ્ડન ક્રિકેટર્સ ઑફ ધ યરમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેણે ખાસ કરીને ભારતને ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે ૧૯૯૯ પછીની પ્રથમ ઓડીઆઇ સિરીઝની ટ્રોફી અપાવી હતી. તેણે એક મૅચમાં ૧૧૧ બૉલમાં ૧૪૩ રન બનાવ્યાં હતાં.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનને ત્રીજી મૅચમાં ન જીતવા દીધું
ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે લાહોરમાં પાકિસ્તાનને પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટી૨૦ના થ્રિલરમાં ફક્ત ચાર રનથી હરાવીને શ્રેણીને જીવંત રાખી હતી. પાકિસ્તાન ૨-૧થી આગળ છે. ટૉમ લેથમે બૅટિંગ પસંદ કરી હતી અને તેના ૬૪ રન તથા ડેરિલ મિચલના ૩૩ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. શાહીન આફ્રિદી અને હૅરિસ રઉફે બે-બે વિકેટ લીધી હતી. ૧૬૪ રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ખરાબ શરૂઆત પછી પાકિસ્તાને એક તબક્કે ૮૮ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી, પણ ઇફ્તિખાર અહમદ (૬૦ રન, ૨૪ બૉલ, છ સિક્સર, ત્રણ ફોર)ની શાનદાર ઇનિંગ્સ છતાં છેલ્લે ૪ રન માટે વિજયથી વંચિત રહી ગયું હતું. નીશૅમની છેલ્લી ઓવરમાં પાકિસ્તાને ૧૫ રન બનાવવાના હતા, પરંતુ ૧૦ રન બન્યા અને પાકિસ્તાન હારી ગયું હતું. નીશૅમે ત્રણ વિકેટ લીધી હતી. લેથમ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
જયસૂર્યાની ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ : શ્રીલંકા જીત્યું
શ્રીલંકાએ ગૉલમાં પ્રથમ ટેસ્ટમાં આયરલૅન્ડને એક ઇનિંગ્સ અને ૨૮૦ રનથી હરાવ્યું હતું. સ્પિનર પ્રભાત જયસૂર્યાએ મૅચમાં કુલ ૧૦ વિકેટ (બાવનમાં સાત, છપ્પનમાં ત્રણ) લીધી હતી. શ્રીલંકાની ૫૯૧/૬ ડિક્લેર્ડ ઇનિંગ્સના જવાબમાં આયરલૅન્ડે ૧૪૩ રન અને ફૉલો-ઑન પછી ૧૬૮ રન બનાવ્યા હતા. શ્રીલંકાની ઇનિંગ્સમાં ચાર બૅટરે સદી ફટકારી હતી ઃ કરુણારત્ને (૧૭૯), કુસાલ (૧૪૦), ચંદીમલ (અણનમ ૧૦૨), સમરવિક્રમા (અણનમ ૧૦૨).
કૅરમ સ્પર્ધામાં ભૂતપૂર્વ વિશ્વવિજેતા મોરે ચૅમ્પિયન
મંડપેશ્વર સિવિક ફેડરેશન (એમસીએફ) દ્વારા તાજેતરમાં આયોજિત આઠમી એમસીએફ મહારાષ્ટ્ર સ્ટેટ રૅન્કિંગ કૅરમ ટુર્નામેન્ટ પુરુષોમાં ભૂતપૂર્વ વિશ્વ વિજેતા પ્રશાંત મોરેએ અને મહિલાઓમાં કાજલ કુમારીએ જીતી લીધી હતી. ફાઇનલમાં પ્રશાંત મોરેએ આંતરરાષ્ટ્રીય કૅરમ ખેલાડી મોહમ્મદ ગુફ્રાનને ૨૨-૨૧, ૨૫-૨૧ અને ૨૫-૦થી હરાવ્યો હતો. કાજલ કુમારીએ મિતાલી પાઠકને ૨૩-૧૬, ૨૫-૧૦, ૨૪-૫થી હરાવી હતી. વિજેતાઓ અને રનર-અપ્સને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યાં હતાં. આ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રભરમાંથી વર્લ્ડ ચૅમ્પિયન સંદીપ દિવે અને વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયન નીલમ ઘોડકે સહિત કુલ ૩૦૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અંગદ બેદી ૬૬ સેકન્ડમાં ૪૦૦ મીટરની રેસ જીત્યો
‘પિન્ક’ અને ‘સૂરમા’ જેવી ફિલ્મોના અભિનય બદલ પ્રશંસા મેળવી ચૂકેલા ઍક્ટર અને મહાન ક્રિકેટર બિશનસિંહ બેદીના પુત્ર અંગદ બેદીએ મુંબઈની એક સ્પર્ધામાં ૪૦૦ મીટરની રેસ માત્ર ૬૬ સેકન્ડમાં પૂરી કરીને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. તેણે આ ટ્રોફી ૩૧-૪૦ વયજૂથના વર્ગમાં મેળવી હતી. આ રેસમાં કેટલાક જાણીતા દોડવીરોએ ભાગ લીધો હતો.


