સ્મૃતિનો ‘૧૦૦ પર્સેન્ટ ક્રિકેટ સુપરસ્ટાર્સ’ની યાદીમાં સમાવેશ અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
અદાણીની ગુજરાત જાયન્ટ્સ ટીમ અને જીએમઆરની ઇન્ડિયા કૅપિટલ્સ
આવતા મહિને નિવૃત્ત ક્રિકેટરો વચ્ચે રમાનારી લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની બીજી ટી૨૦ સીઝન માટે અદાણી ગ્રુપે જે ટીમ ખરીદી છે એને ‘ગુજરાત જાયન્ટ્સ’ નામ આપવામાં આવ્યું છે. આ જ ગ્રુપે જાન્યુઆરીની યુએઈની ટી૨૦ ટુર્નામેન્ટ માટે ખરીદેલી ટીમનું ‘ગલ્ફ જાયન્ટ્સ’ નામ રાખ્યું છે. આઇપીએલમાં નવી ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ ચૅમ્પિયન બની હતી. લેજન્ડ્સ લીગમાં દિલ્હી કૅપિટલ્સના માલિક જીએમઆર ગ્રુપે પોતાની ટીમનું નામ ‘ઇન્ડિયા કૅપિટલ્સ’ રાખ્યું છે.
ADVERTISEMENT
સ્મૃતિનો ‘૧૦૦ પર્સેન્ટ ક્રિકેટ સુપરસ્ટાર્સ’ની યાદીમાં સમાવેશ
આઇસીસીએ મહિલા ક્રિકેટરો માટેના ‘૧૦૦ પર્સેન્ટ ક્રિકેટ સુપરસ્ટાર્સ’ લિસ્ટમાં ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાનો સમાવેશ કર્યો છે. મંધાનાએ ૭૪ વન-ડેમાં પાંચ સદી સહિત કુલ ૨૮૯૨ રન અને ૯૨ ટી૨૦માં ૧૬ હાફ સેન્ચુરી સહિત ૨૧૯૨ રન બનાવ્યા છે. આઇસીસીની આ યાદીમાં પહેલેથી જ ઓપનર શેફાલી વર્મા તેમ જ ઇંગ્લૅન્ડની સૉફી એકલ્સ્ટન, ન્યુ ઝીલૅન્ડની ઍમેલિયા કેર, વેસ્ટ ઇન્ડીઝની હેલી મૅથ્યુઝ અને સાઉથ આફ્રિકાની લૉરા વૉલ્વાર્ટનો સમાવેશ છે અને જે નામ નક્કી કરવામાં આવશે એમાંથી ક્રિકેટપ્રેમીઓ ફાઇનલ-ઇલેવન પસંદ કરી શકશે. પાકિસ્તાનની ફાતિમા સના, ઑસ્ટ્રેલિયાની ઍશ્લેઇ ગાર્ડનર, ઇંગ્લૅન્ડની સોફિયા ડંકલી અને આયરલૅન્ડની ગૅબી લુઇસને પણ આઇસીસીએ આ લિસ્ટમાં સ્થાન આપ્યું છે.
ક્રિકેટર બલાન્સે રંગભેદી ભાષા બદલ રફીકની માફી માગી
ઇંગ્લૅન્ડના ક્રિકેટર ગૅરી બલાન્સે યૉર્કશર ટીમના ભૂતપૂર્વ સાથી અઝીમ રફીક સામે રંગભેદલક્ષી ભાષા વાપરવા બદલ તેની માફી માગી લીધી છે. ગયા નવેમ્બરમાં બલાન્સે રફીક સામે જાતિવાદને લગતી કમેન્ટ કરી હોવાનું કબૂલ્યું હતું. ઇંગ્લૅન્ડ વતી ૨૩ ટેસ્ટ અને ૧૬ વન-ડે રમી ચૂકેલા બલાન્સે ક્લબમાં રંગભેદલક્ષી વ્યવહાર અને સતામણી કર્યાં હોવાનો રફીકે બલાન્સ વિરુદ્ધ આક્ષેપ કર્યો એને પગલે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે ક્રિકેટને અપનામિત કરી હોવા સહિતના આરોપ બલાન્સ પર મૂક્યા હતા.
ફૉર્મ્યુલા-વનમાં ૨૦૨૬ની સીઝનથી આઉડીની એન્ટ્રી
જર્મન કારમેકર આઉડી ૨૦૨૬ની સીઝનથી ફૉર્મ્યુલા-વનમાં પ્રવેશ કરશે અને એની પાછળ કંપની કરોડો યુરોનો ખર્ચ કરશે. આ જાહેરાત આઉડીના માર્કસ ડ્યુસમને કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ‘ફૉર્મ્યુલા-વન રેસમાં આઉડી રેસ માટે કઈ ટીમ સાથે પાર્ટનરશિપ કરશે એની જાહેરાત વર્ષના અંત સુધીમાં કરશે. કંપનીને માત્ર રેસમાં જ રસ નથી, પોતાનું યાંત્રિક કૌશલ બતાવવાના હેતુથી જંગી રોકાણનો ઉપયોગ કરવાનો પણ આશય છે.’
યુએસ ઓપનમાંથી જૉકોવિચ નીકળી ગયો
કોવિડની વૅક્સિન ન લેવાને કારણે વારંવાર વિવાદમાં સપડાયેલા સર્બિયાના વર્લ્ડ નંબર-સિક્સ ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચે સોમવારે ન્યુ યૉર્કમાં શરૂ થતી યુએસ ઓપન ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેણે ટ્રાવેલને લગતાં નિયંત્રણોને ધ્યાનમાં રાખીને ગઈ કાલે સ્પર્ધા માટેના ડ્રૉની જાહેરાત પહેલાં જ પોતાનો નિર્ણય જણાવી દીધો હતો. વૅક્સિન ન લેનારાઓને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ છે.
‘સિક્સ્ટી ટુર્નામેન્ટ’ શરૂઃ ગેઇલ શરૂઆતમાં ફ્લૉપ
૬ ટીમ વચ્ચેની ૬૦-૬૦ બૉલની (ટી૧૦) ‘સિક્સ્ટી ટુર્નામેન્ટ’ ગુરુવારે શરૂ થઈ જેમાં પ્રથમ મૅચમાં ગયાના ઍમેઝોન વૉરિયર્સે (૧૧૧/૫) સેન્ટ લ્યુસિયા કિંગ્સ ૧૦૪) સામે ૭ રનથી વિજય મેળવ્યો હતો. જમૈકા તલાવાઝે (૧૩૯) સામે સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પૅટ્રિયટ્સ ટીમ ૮૪ રન બનાવી શકી હતી. આ અનોખી સ્પર્ધામાં જો કોઈ ટીમ ૬ વિકેટ ગુમાવે તો એ ઑલઆઉટ ગણાય છે. આ પરાજિત ટીમનો ક્રિસ ગેઇલ માત્ર ૯ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ફ્લાઇંગ ઇન ફુટબૉલ

તસવીર : એ.એફ.પી.
નેધરલૅન્ડ્સના એઇન્ડ્હોવેન શહેરમાં રમાયેલી અત્યંત રસાકસીભરી ફુટબૉલ મૅચમાં એક તબક્કે પીએસવી એઇન્ડ્હોવેનનો ઑસ્ટ્રિયન ડિફેન્ડર ફિલિપ મ્વેની (ઉપર) હરીફ ટીમ ગ્લાસગો રેન્જર્સના ક્રોએશિયન ડિફેન્ડર બોર્ના બારિસિચ (નીચે) પર પડ્યો હતો અને થોડી ક્ષણ માટે રમત અટકાવાઈ હતી. અનેક ઉતાર-ચડાવ બાદ યુઈએફએ (યુઈફા) ચૅમ્પિયન્સ લીગ માટેની આ પ્લે-ઑફ મૅચ ગ્લાસ્ગો રેન્જર્સે ૧-૦થી જીતી લીધી હતી અને ૧૨ વર્ષ બાદ પહેલી વાર ચૅમ્પિયન્સ લીગના ગ્રુપ-સ્ટેજમાં સ્થાન મેળવ્યું હતું.
અવૉર્ડ સમારોહમાં સ્પૅનિશ સ્ટાર્સનો સપાટો

તસવીર : એ.એફ.પી.
ઇસ્તંબુલમાં ગુરુવારે ‘યુઈએફએ વિમેન્સ બેસ્ટ પ્લેયર અવૉર્ડ’ સાથે બાર્સેલોના ક્લબની સ્પૅનિશ ખેલાડી ઍલેકિયા પુટેલસ અને ‘મેન્સ બેસ્ટ પ્લેયર અવૉર્ડ’ સાથે રિયલ મૅડ્રિડનો ફ્રેન્ચ ફુટબોલર કરીમ બેન્ઝેમા. આ બન્ને પોતપોતાની ટીમનાં ફૉર્વર્ડ પ્લેયર્સ છે અને બન્ને જણ સ્પેનની ક્લબનાં છે. પુટેલસ સતત બીજા વર્ષે આ પુરસ્કાર જીતી છે. તેણે બાર્સેલોનાને ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચાડી હતી. બેન્ઝેમાએ ચૅમ્પિયન્સ લીગમાં ૧૫ ગોલ કરવાની સાથે રિયલ મૅડ્રિડને વિક્રમજનક ૧૫મું ટાઇટલ અપાવ્યું હતું.


