પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં હાર્દિક પંડ્યા દોઢ કલાક સુધી રોકાયો હતો.
હાર્દિક પંડ્યા માથે પૂજાસામગ્રી મૂકીને સોમનાથ મહાદેવ મંદિરમાં ગયો હતો.
ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ગઈ કાલે સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને આધ્યાત્મિક પૉઝિટિવ ઊર્જા મેળવીને ધન્યતા અનુભવી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં હાર્દિક પંડ્યા દોઢ કલાક સુધી રોકાયો હતો. એ દરમ્યાન તેણે સોમનાથ મહાદેવમાં પૂજાસામગ્રી અર્પણ કરીને જળાભિષેક કર્યો હતો અને બે હાથ જોડીને દાદા સમક્ષ નતમસ્તક થઈને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. હાર્દિક પંડ્યાએ મંદિરમાં ૪૫ મિનિટ સુધી સોમેશ્વર મહાપૂજા કરી હતી અને ધ્વજપૂજન કરી, આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ આપીને હાર્દિક પંડ્યાનું અભિવાદન કર્યું હતું. હાર્દિક પંડ્યા એકલો સોમનાથ મહાદેવનાં દર્શન કરવા પહોંચ્યો હતો. તે મંદિર પરિસરમાં ફર્યો હતો.


