IPLની આગામી સીઝનમાં રમશે કે નહીં એનો જવાબ આપતાં ધોની કહે છે...
ગઈ કાલની મૅચ બાદ અમદાવાદના સ્ટેડિયમમાં ICCના ચૅરમૅન જય શાહને ધોની મળ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સની IPLની ૧૮મી સીઝનની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ એના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પૂછવામાં આવ્યું કે તે આગામી સીઝનમાં રમશે કે નહીં? તેણે એનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મારી પાસે નિર્ણય લેવા માટે ૪-૫ મહિના છે. એ નક્કી કરવાની કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવા માટે દર વર્ષે વધુ પ્રયત્નોની જરૂર પડે છે. તમારે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. આ ઉચ્ચ સ્તરનું ક્રિકેટ છે. આ એક પ્રોફેશનલ ક્રિકેટ છે. તમે હંમેશાં પ્રદર્શન પર વિશ્વાસ કરી શકતા નથી. જો ક્રિકેટરો તેમના પ્રદર્શનને કારણે નિવૃત્તિ લેવાનું શરૂ કરે છે તો એમાંથી કેટલાક બાવીસ વર્ષની ઉંમરે જ નિવૃત્તિ લેશે.’
૪૩ વર્ષના ધોનીએ આગળ કહ્યું હતું કે ‘રમત પ્રત્યે કેટલી ભૂખ છે અને તમે કેટલા ફિટ છો એ જોવું મહત્ત્વપૂર્ણ છે. તમે ટીમમાં કેટલું યોગદાન આપી શકો છો? ટીમને જરૂર હોય કે ન હોય, મારી પાસે પૂરતો સમય છે. રાંચી પાછો જઈશ. ઘણા સમયથી ઘરે નથી ગયો એટલે થોડો બાઇક રાઇડનો આનંદ માણીશ અને પછી નિર્ણય લઈશ. હું એમ નથી કહેતો કે બસ થઈ ગયું (છેલ્લી સીઝન), હું એમ પણ નથી કહેતો કે હું પાછો આવીશ. મારી પાસે સમય છે. હું એના વિશે વિચારીશ અને પછી નિર્ણય લઈશ.`


