આૅસ્ટ્રેલિયન મહિલા પ્લેયર્સની છેડતી વિશે મધ્ય પ્રદેશના પ્રધાન કૈલાશ વિજયવર્ગીયનું ચોંકાવનારું નિવેદન
કૈલાશ વિજયવર્ગીય
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ગયા અઠવાડિયે ઑસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટર સાથે બનેલી છેડતીની ઘટના પર આ રાજ્યના પ્રધાન કૈલાશ વિજયવર્ગીયે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે ‘ક્રિકેટરોએ વધુ સાવચેત રહેવું જોઈતું હતું. હોટેલ છોડતાં પહેલાં સ્થાનિક અધિકારીઓને જાણ કરવી જોઈતી હતી. પ્લેયર્સ અચાનક કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ એ તેમની ભૂલ છે. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ હવે ખેલાડીઓએ પણ એમાંથી શીખવું જોઈએ. ભારતમાં ક્રિકેટરો માટે ભારે ક્રેઝ છે. આ ઘટનાઓ અમારી જેમ એ પ્લેયર્સ માટે પણ એક બોધપાઠ છે.’
ઇન્દોરની ઘટના બાદ સુરક્ષા વધારવામાં આવી
વિદેશી મહિલા પ્લેયર્સની છેડતી બાદ ટુર્નામેન્ટના નૉકઆઉટ રાઉન્ડ માટે સુરક્ષા વધારવામાં આવી છે. અહેવાલ અનુસાર હવે મહિલા પ્લેયર્સને હોટેલની બહાર જતાં પહેલાં સુરક્ષા-કર્મચારીઓને જાણ કરવી પડશે અને તેમને પોલીસની સુરક્ષા મળશે. નવી મુંબઈમાં એક સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ રમાવાની હોવાથી ડી. વાય. પાટીલ સ્ટેડિયમની સુરક્ષામાં ૭૫ અધિકારીઓ સહિત ૬૦૦ સુરક્ષા-કર્મચારીઓ તહેનાત હશે.
ADVERTISEMENT
છેડતીનો આરોપી ૧૦ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે
ઑસ્ટ્રેલિયન પ્લેયર્સની છેડતીના આરોપી અકીલ ખાન વિશે ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. ૨૯ વર્ષનો આ આરોપી હાલમાં ૧૦ વર્ષની સજા બાદ બહાર આવ્યો છે. તેના પર છેડતી, લૂંટ, મારપીટ અને હત્યાના પ્રયાસના ૧૦ કેસ નોંધાયેલા છે.


