Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજસ્થાન રૉયલ્સ ફરી અંતિમ ઓવરમાં પરાસ્ત

રાજસ્થાન રૉયલ્સ ફરી અંતિમ ઓવરમાં પરાસ્ત

Published : 05 May, 2025 09:40 AM | Modified : 06 May, 2025 07:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈડન ગાર્ડન્સમાં કલકત્તાએ ચાર વિકેટ ગુમાવીને ૨૦૬ રન ફટકાર્યા, રાજસ્થાન આઠ વિકેટે ૨૦૫ રન સુધી પહોંચીને માત્ર એક રને હાર્યું.

આન્દ્રે રસેલ અને રિયાન પરાગ

આન્દ્રે રસેલ અને રિયાન પરાગ


IPL 2025ની ૫૩મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે એક રને રોમાંચક વિજય મેળવીને ઈડન ગાર્ડન્સમાં ૨૦૧૮ બાદ પહેલી વાર રાજસ્થાનને માત આપી હતી. કલકત્તાએ આન્દ્રે રસેલ અને અંગક્રિશ રઘુવંશીની તાબડતોડ ઇનિંગ્સના આધારે ચાર વિકેટ ગુમાવીને ૨૦૬ રન ફટકાર્યા હતા. ૨૦૭ રનના ટાર્ગેટ સામે રાજસ્થાનની ટીમ કૅપ્ટન રિયાન પરાગની ૯૫ રનની ઇનિંગ્સની મદદથી આઠ વિકેટે ૨૦૫ રન સુધી જ પહોંચી શકી હતી.

આ સીઝનમાં અંતિમ ઓવર્સમાં રાજસ્થાનના બૅટર્સ આ પહેલાં દિલ્હી (સુપર ઓવરમાં હાર), લખનઉ (બે રને હાર) અને બૅન્ગલોર (૧૧ રને હાર) સામે પણ જંગ હારી ચૂક્યા છે. કલકત્તાએ વર્તમાન સીઝનમાં રાજસ્થાનને બન્ને મૅચમાં હરાવીને ઈડન ગાર્ડન્સમાં આ હરીફ ટીમ સામે સળંગ ત્રણ મૅચથી હારનો સિલસિલો તોડ્યો હતો.

ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણે (૨૪ બૉલમાં ૩૦ રન)એ બીજી વિકેટ માટે રહમાનુલ્લાહ ગુરબાઝ (પચીસ બૉલમાં ૩૫ રન) સાથે અને ત્રીજી વિકેટ માટે અંગક્રિશ રઘુવંશી (૩૧ બૉલમાં ૪૪ રન) સાથે રનની ભાગીદારી કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકારનાર આન્દ્રે રસેલે (પચીસ બૉલમાં ૫૭ રન અણનમ) અંગક્રિશ સાથે ચોથી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરીને રાજસ્થાનના બોલર્સના હાલબેહાલ કર્યા હતા. રસેલ, અંગક્રિશ અને રિન્કુ સિંહે (૬ બૉલમાં ૧૯ રન) મળીને ૧૬થી ૨૦મી ઓવર સુધીમાં ૮૫ રન ફટકારીને એક પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો. રાજસ્થાનના સ્પિનર રિયાન પરાગ (૨૧ રનમાં એક વિકેટ) સહિત છમાંથી ચાર બોલર્સને એક-એક વિકેટ મળી હતી.

વિશાળ ટાર્ગેટ સામે પહેલી બે ઓવરમાં આઠ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવ્યા બાદ કૅપ્ટન રિયાન પરાગે સીઝનની પહેલી ફિફ્ટી ફટકારીને ઇનિંગ્સ સંભાળી હતી. ૨૧૧.૧૧ના સ્ટ્રાઇક-રેટથી છ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકારનાર રિયાન પરાગે (૪૫ બૉલમાં ૯૫ રન) પોતાનો આ ફૉર્મેટનો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. તેણે ત્રીજી વિકેટ માટે યશસ્વી જાયસવાલ (૨૧ બૉલમાં ૩૪ રન) સાથે ૫૮ રનની ભાગીદારી કર્યા બાદ શિમરન હેટમાયર (૨૩ બૉલમાં ૨૯ રન) સાથે રાજસ્થાનની છઠ્ઠી વિકેટની ૯૨ રનની પાર્ટનરશિપ કરીને જીત ઑલમોસ્ટ નક્કી કરી દીધી હતી. પણ વરુણ અરોરાની ૨૦મી ઓવરમાં જોફ્રા આર્ચર (૮ બૉલમાં ૧૨ રન) અને શુભમ દુબે (૧૪ બૉલમાં પચીસ રન અણનમ) જીત માટે જરૂરી બાવીસ રન સામે ૨૦ રન જ કરી શક્યા હતા. અંતિમ બૉલે ત્રણ રનની જરૂર હતી, પણ બીજો રન દોડતા સમયે આર્ચર રનઆઉટ થતાં મૅચ ટાઇ પણ થઈ શકી નહોતી. એ પહેલાં હર્ષિત રાણાએ ૧૮મી ઓવરમાં માત્ર પાંચ રન અને આન્દ્રે રસેલે ૧૯મી ઓવરમાં ૧૧ રન આપીને જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વરુણ ચક્રવર્તી, મોઇન અલી સહિત ફાસ્ટ બોલર હર્ષિત રાણાને બે-બે વિકેટ મળી હતી. કલકત્તાના આન્દ્રે રસેલે આક્રમક ૨૫ બૉલમાં ૫૭ રન ફટકાર્યા હતા. રાજસ્થાનનાં કૅપ્ટન રિયાન પરાગે ૯૫ રન ફટકાર્યા હતા, પણ ટીમને જીત નહોતો અપાવી શક્યો.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK