ક્વૉલિફાયર-વનમાં પંજાબ અને બૅન્ગલોરની ટક્કર : એકેય વાર IPL ન જીતેલી આ બન્ને ટીમ પાંત્રીસ વાર સામસામે આવી છે, જેમાંથી પંજાબ ૧૮ વાર અને બૅન્ગલોર ૧૭ વાર જીત્યું છે
બોલિંગ નાખતો બૅટર પ્રભસિમરન સિંહ અને બૅટિંગ કરતો અર્શદીપ સિંહ.
IPL 2025માં આજે પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ક્વૉલિફાયર-વન રમાશે. આ મૅચ જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં જશે અને જે ટીમ હારશે એને હજી એક મોકો મળશે. ક્વૉલિફાયર-વનમાં આજે ટકરાનારી બન્ને ટીમ વચ્ચે એક ગજબ સામ્ય છે. બન્ને ટીમ પહેલવહેલી વાર IPL ટાઇટલ જીતવાનું સપનું સાકાર કરવા અધીરી છે.
પંજાબ પહેલી વાર ૨૦૧૪માં પ્લેઑફ્સમાં પહોંચ્યું હતું. એ વખતે લીગ-ટેબલમાં ટૉપ પર રહેલું પંજાબ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી ગયું હતું. બીજી બાજુ બૅન્ગલોર છેલ્લે ૨૦૧૬માં ટૉપ-ટૂમાં રહ્યું હતું. એ સીઝનમાં બૅન્ગલોર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફાઇનલમાં હારી ગયું હતું.
ADVERTISEMENT

ગઈ કાલે ન્યુ ચંડીગઢના મહારાજ યદવિન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સનો હેડ કોચ રિકી પૉન્ટિંગ પોતાની ટીમના પ્લેયર્સ યુઝવેન્દ્ર ચહલ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ સાથે.
પંજાબ અને બૅન્ગલોર આ વખતની IPLમાં છેલ્લે મુલ્લાંપુરમાં જ ટકરાયાં હતાં જેમાં બૅન્ગલોરનો વિજય થયો હતો. વિરાટ કોહલીએ એ મૅચમાં અણનમ ૭૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. એ જ મૅચમાં પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયર સામે વિજય પછી વિરાટે કરેલી આક્રમક ઉજવણી પછી બન્ને વચ્ચે થોડીક ચણભણ થઈ હતી.

પ્રૅક્ટિસ પછી આરામ ફરમાવતો પંજાબનો ન્યુ ઝીલૅન્ડર ફાસ્ટ બોલર કાઇલ જૅમિસન.
વિરાટ અને શ્રેયસ આ IPLમાં પોતપોતાની ટીમના ટૉપ-સ્કોરર રહ્યા છે. વિરાટે ૧૪૭.૯૧ના સ્ટ્રાઇક-રેટ સાથે ૬૦૮ રન કર્યા છે જ્યારે શ્રેયસે ૧૭૧.૯૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૫૧૪ રન કર્યા છે.
પંજાબ અને બૅન્ગલોર એકબીજા સામે ૩૫ વાર રમ્યાં છે જેમાંથી પંજાબ ૧૮ વાર અને બૅન્ગલોર ૧૭ વાર જીત્યું છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
આ આક્રમકતાનું પુનરાવર્તન થશે?

આ ગ્રાઉન્ડ પર બન્ને વચ્ચેની છેલ્લી મૅચમાં વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર વચ્ચે જામી પડી હતી.


