જો આજે મુંબઈ જીત્યું તો ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં પહોંચી જશે : જો દિલ્હી જીત્યું તો પછી બન્ને ટીમે પંજાબ સામેની છેલ્લી મૅચનાં પરિણામ સુધી રાહ જોવી પડશે
દિલ્હીથી મુંબઈ પહોંચી ગયો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ (ડાબે), મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આજની નિર્ણાયક મૅચ માટે પ્રૅક્ટિસ-સેશનમાં જબરદસ્ત મહેનત કરી (વચ્ચે), ટેસ્ટ-નિવૃત્તિ અને વાનખેડે સ્ટેડિયમમાં નવા સ્ટૅન્ડના અનાવરણ બાદ પહેલી વાર મેદાનમાં ઊતરશે રોહિત શર્મા (જમણે)
IPL 2025ની 63મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. ગુજરાત, બૅન્ગલોર અને પંજાબે પ્લેઑફમાં તેમનું સ્થાન પાકું કરી લીધું છે અને હવે બાકીના એક સ્થાન માટેના દાવેદારો મુંબઈ અને દિલ્હી વચ્ચેનો આજનો મુકાબલો ખૂબ જ નિર્ણાયક બની રહેશે. મુંબઈ ૧૪ પૉઇન્ટ સાથે ચોથા નંબરે અને દિલ્હી ૧૩ પૉઇન્ટ સાથે પાંચમા નંબરે છે. ચાલો જાણીએ બન્ને ટીમની પ્લેઑફમાં પહોંચવાની સંભાવનાઓ વિશે...
જો આજે મુંબઈ જીત્યું તો ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં પહોંચી જશે.
ADVERTISEMENT
જો દિલ્હી જીત્યું તો પછી બન્ને ટીમે પંજાબ સામેની છેલ્લી મૅચનાં પરિણામ સુધી રાહ જોવી પડશે.
પંજાબ સામે પણ જીત મેળવીને દિલ્હી ટૉપ ફોરમાં પ્રવેશ કરી શકે છે, પણ પંજાબ સામે હાર્યું તો મુંબઈ પંજાબને હરાવીને બાજી મારી શકે છે.
જો વાનખેડેમાં આજે વરસાદે મૅચ ધોઈ નાખી તો બન્ને ટીમનું ભાવિ મુંબઈકર શ્રેયસ ઐયરની ટીમ પંજાબ નક્કી કરશે. શનિવારે દિલ્હીએ પંજાબ સામે જીત મેળવ્યા બાદ પણ મુંબઈના મૅચનાં રિઝલ્ટ સુધી રાહ જોવી પડશે.
સોમવારે પંજાબ સામે મુંબઈ જીત્યું તો મુંબઈ, નહીંતર દિલ્હી પ્લેઑફમાં પ્રવેશ કરશે, પણ જો શનિવારે દિલ્હી જીત્યું તો પછી મુંબઈ અને પંજાબ મુકાબલો નકામો બની જશે.
જો આજે વાનખેડે અને ત્યાર બાદ પંજાબ સામેના જયપુરના બન્ને મુકાબલા પણ વરસાદે ધોઈ નાખ્યા તો મુંબઈ ૧૬ પૉઇન્ટ સાથે દિલ્હી (૧૫ પૉઇન્ટ)ને પછાડીને ટૉપ ફોરમાં પ્રવેશ કરી લેશે.
મુંબઈએ પ્લેઑફ માટે એકસાથે ત્રણ રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
પાંચ વખતની IPL ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના ત્રણ શાનદાર ફૉર્મ ધરાવતા વિદેશી પ્લેયર્સ IPLની ગ્રુપ-સ્ટેજ મૅચો બાદ નૅશનલ ડ્યુટીને કારણે ટીમનો સાથ છોડી રહ્યા છે. તેમના સ્થાને મુંબઈએ પ્લેઑફ માટે એકસાથે ત્રણ અન્ય વિદેશી પ્લેયર્સને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.
ઇંગ્લૅન્ડના વિલ જેક્સ (૫.૨૫ કરોડ)ના સ્થાને ઇંગ્લૅન્ડના જ વિકેટકીપર-બૅટર જૉની બેરસ્ટૉ (૫.૨૫ કરોડ)ને, સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટર રાયન રિકલ્ટન (એક કરોડ)ના સ્થાને ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસન (એક કરોડ)ને અને સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર કૉર્બિન બૉશ (૩૦ લાખ)ના સ્થાને શ્રીલંકાના બૅટર ચારિથ અસલંકા (૭૫ લાખ)ને ટીમમાં સ્થાન મળ્યું છે. જો મુંબઈ નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થાય તો પ્લેઑફ તબક્કાથી ત્રણેય રિપ્લેસમેન્ટ પ્લેયર્સ રમવા માટે ઉપલબ્ધ રહેશે.
વાનખેડેમાં કોણ ભારી?
સીઝનની પહેલી ટક્કરમાં મુંબઈએ ૧૨ રને દિલ્હીને તેના જ હોમ ગ્રાઉન્ડ પર માત આપી હતી. વર્તમાન સીઝનની છેલ્લી પાંચ મૅચમાંથી મુંબઈ માત્ર એક મૅચ હાર્યું છે, જ્યારે દિલ્હી છેલ્લી પાંચમાંથી માત્ર એક મૅચ જીતી શક્યું છે. બન્ને ટીમ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ૧૦ મૅચ રમાઈ છે જેમાંથી મુંબઈએ સાત અને દિલ્હીએ ત્રણ મૅચમાં જીત મેળવી છે. દિલ્હીએ વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લે ૨૦૧૯માં હોમ ટીમને માત આપી હતી.
હેડ ટુ હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૩૬, MIની જીત - ૨૦, DCની જીત - ૧૬

