સીઝનમાં પ્રથમ આઠમાંથી સાત મૅચ જીતનાર IPLના ઇતિહાસની પાંચમી ટીમ બની રાજસ્થાન રૉયલ્સ
IPL 2024
યશસ્વી જૈસવાલ
વરસાદથી પ્રભાવિત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૩૮મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સે ૯ વિકેટથી રૉયલ વિજય મેળવીને બીજી વાર જીતની હૅટ-ટ્રિક કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે ૯ વિકેટ ગુમાવીને આપેલો ૧૮૦ રનનો ટાર્ગેટ રાજસ્થાન રૉયલ્સે માત્ર ૧ વિકેટ ગુમાવીને ૧૮.૪ ઓવરમાં ચેઝ કરી લીધો હતો. પૉઇન્ટ્સ-ટેબલ પર રાજસ્થાન ૧૪ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ૨૭ એપ્રિલે લખનઉ સામેની મૅચ જીતીને એ વર્તમાન સીઝનમાં પ્લેઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની શકે છે. મુંબઈની ટીમ ૬ પૉઇન્ટ સાથે સાતમા ક્રમે છે. પ્લેઑફમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે હાર્દિક પંડ્યાની ટીમે હવે પછીની ૬ મૅચ જીતવી જરૂરી છે. રાજસ્થાનના યશસ્વી જાયસવાલ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ અને સંદીપ શર્માએ આ મૅચમાં ધમાલ મચાવી હતી એને કારણે ૨૦૨૩માં હોમગ્રાઉન્ડ પર માત્ર ૧ જીત અને ૪ મૅચમાં હાર મેળવનારી રાજસ્થાનની ટીમ ૨૦૨૪માં ચોથી જીત મેળવી શકી. રાજસ્થાને હોમગ્રાઉન્ડ પર ગુજરાત સામે ૩ વિકેટે એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો.
૯ ચોગ્ગા અને ૭ સિક્સરની મદદથી ૬૦ બૉલમાં ૧૦૪ રન બનાવનાર યશસ્વી જાયસવાલે IPL ઇતિહાસમાં મુંબઈ સામે બીજી સેન્ચુરી ફટકારી હતી. ૨૨ વર્ષના યશસ્વી જાયસવાલે આ પહેલાં ૨૦૨૩માં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે ૧૨૪ રન કરીને IPL કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. IPLમાં બે સેન્ચુરી ફટકારનાર યશસ્વી જાયસવાલ (૨૨ વર્ષ ૧૧૬ દિવસ) યંગેસ્ટ ક્રિકેટર બન્યો છે. આ લિસ્ટમાં શુભમન ગિલ (૨૩ વર્ષ ૨૫૫ દિવસ), સંજુ સૅમસન (૨૪ વર્ષ ૧૩૮ દિવસ ), ડેવિડ વૉર્નર (૨૫ વર્ષ ૧૯૬ દિવસ) અને વિરાટ કોહલી (૨૭ વર્ષ ૧૮૪ દિવસ)નો પણ સમાવેશ છે. પ્રથમ ૭ મૅચમાં ૧૨૧ રન ફટકારનાર યશસ્વી જાયસવાલ T20 વર્લ્ડ કપ પહેલાં ફૉર્મમાં પાછો ફરતાં ભારતીય ફૅન્સે રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
IPL સીઝનમાં પ્રથમ ૮માંથી |
વર્ષ ટીમ |
૨૦૧૦ મુંબઈ ઇન્ડિયન્સ |
૨૦૧૪ પંજાબ કિંગ્સ |
૨૦૧૯ ચેન્નઈ સુપરકિંગ્સ |
૨૦૨૨ ગુજરાત ટાઇટન્સ |
૨૦૨૪ રાજસ્થાન રૉયલ્સ |
સંદીપ શર્માનું નસીબ ચમક્યું
IPL 2023માં જે સંદીપ શર્માને કોઈએ ખરીદ્યો નહોતો એ રાજસ્થાનની ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સામેલ થયો હતો. સીઝનની શરૂઆત પહેલાં ૩૦ વર્ષનો આ બોલર ઈજાને કારણે બહાર રહ્યો હતો. ડેથ ઓવર સ્પેશ્યલિસ્ટ સંદીપ શર્માએ મુંબઈ સામે ૧૮ રન આપીને IPL અને T20 કરીઅરની પ્રથમ ફાઇફર (પાંચ વિકેટ) લીધી હતી.
100
આટલી મૅચ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનાર સાતમો ખેલાડી બન્યો હાર્દિક પંડ્યા