Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MI vs LSG : એન્જિનિયર મધવાલ : ટેનિસ બૉલ પ્લેયર આવી ગયો આઇપીએલની રેકૉર્ડ બુકમાં

MI vs LSG : એન્જિનિયર મધવાલ : ટેનિસ બૉલ પ્લેયર આવી ગયો આઇપીએલની રેકૉર્ડ બુકમાં

26 May, 2023 10:28 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ બૉલમાં પાંચ વિકેટ લઈને મુંબઈને સેમી ફાઇનલમાં પહોંચાડનાર ઉત્તરાખંડનો બોલર આઇપીએલમાં આવતાં પહેલાં સિવિલ એન્જિનિયર હતો અને ટેનિસ બૉલથી રમતો હતો : તે આઈપીએલનો અનોખો વિક્રમધારક બન્યો છે

આકાશ મધવાલ બુધવારે ચેન્નઈમાં લખનઉના પૂરનની વિકેટ લીધા પછી ઊછળ્યો હતો અને તેની સાથે કૅમેરન ગ્રીને પણ કૂદકો માર્યો હતો. તસવીર પી. ટી. આઇ.

IPL 2023

આકાશ મધવાલ બુધવારે ચેન્નઈમાં લખનઉના પૂરનની વિકેટ લીધા પછી ઊછળ્યો હતો અને તેની સાથે કૅમેરન ગ્રીને પણ કૂદકો માર્યો હતો. તસવીર પી. ટી. આઇ.


ઉત્તરાખંડના રુડકીથી આવેલા મુંબઈ ઇન્ડિયન્સના ૨૯ વર્ષના પેસ બોલર આકાશ મધવાલે (૩.૩-૦-૫-૫) બુધવારે ચેન્નઈમાં પોતાના બીજા સ્પેલમાં લખનઉ સુપર જાયન્ટ્સના ડેન્જરસ આયુષ બદોની (૧ રન)ને આઉટ કર્યા પછી બીજા જ બૉલમાં નિકોલસ પૂરનને ગોલ્ડન ડક સાથે પૅવિલિયન ભેગો કર્યો અને લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર સહિત સૌકોઈને ચોંકાવી દીધા એને પગલે મધવાલની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. મુંબઈની ટીમ છેલ્લી બે મૅચમાંના મધવાલના સુપર પર્ફોર્મન્સને લીધે જ આજની ગુજરાત ટાઇટન્સ સામેની સેમી ફાઇનલમાં પહોંચી શકી છે અને છઠ્ઠા ટાઇટલથી ફક્ત બે ડગલાં દૂર છે.

મુંબઈએ બુધવારે બૅટિંગ મળ્યા પછી કૅમેરન ગ્રીનના ૪૧ રન અને સૂર્યકુમારના ૩૩ રનની મદદથી ૮ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. લખનઉના નવીન-ઉલ-હકે ચાર વિકેટ અને યશ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. લખનઉની ટીમ વતી એકમાત્ર માર્કસ સ્ટોઇનિસ (૪૦ રન, ૨૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નો પર્ફોર્મન્સ વખાણવા જેવો હતો. લખનઉની ટીમ મધવાલની પાંચ વિકેટ તેમ જ ક્રિસ જૉર્ડનની તથા પીયૂષ ચાવલાની એક-એક વિકેટને કારણે ફક્ત ૧૬.૩ ઓવરમાં માત્ર ૧૦૧ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈનો ૮૧ રનથી વિજય થયો હતો. લખનઉની ગઈ સીઝનમાં પણ પ્લે-ઑફમાંથી વહેલી એક્ઝિટ થઈ હતી.



૧૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો


મધવાલ આઇપીએલની પ્લે-ઑફની મૅચમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. પ્લે-ઑફ કે નૉકઆઉટમાં અગાઉ ડગ બોલિન્જરનો રેકૉર્ડ (૪/૧૩) હતો. તેણે ૨૦૧૦માં ચેન્નઈ સુપર કિંગ્સ વતી ડેક્કન ચાર્જર્સ સામે આ વિક્રમ રચ્યો હતો જે મધવાલે ૧૩ વર્ષે તોડ્યો છે. ૨૦૧૬માં ધવલ કુલકર્ણીએ ગુજરાત લાયન્સ વતી બૅન્ગલોર સામે ૧૪ રનમાં ૪ વિકેટ અને ૨૦૨૦માં બુમરાહે મુંબઈ વતી દિલ્હી સામે ૧૪ રનમાં ૪ વિકેટ લીધી હતી.

આરસીબીનો નેટ બોલર હતો


મધવાલ સિવિલ એન્જિનિયર છે. આઇપીએલમાં રમવા આવ્યો એ પહેલાં તે એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. જોકે નોકરી છોડીને તે ઉત્તરાખંડની ટીમમાં જોડાયો હતો. હજી થોડાં વર્ષો પહેલાં લેધર બૉલને બદલે માત્ર ટેનિસ બૉલ ક્રિકેટ રમીને પોતાની ક્રિકેટની પૅશન સંતોષતા મધવાલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)નો નેટ બોલર બનીને આઇપીએલમાં આગમન કર્યું હતું. ગયા વર્ષે તેને મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વૉડમાં એન્ટ્રી મળી હતી. બુમરાહ આ વખતે ન રમ્યો હોવાથી અને ઈજાને કારણે જોફ્રા આર્ચર પણ અડધેથી જતો રહ્યો હોવાથી મધવાલને વધુ રમવા મળ્યું અને તેણે અફલાતૂન પર્ફોર્મ કરીને પોતાની કાબેલિયતનો પરચો કરાવ્યો. તેણે બુધવારે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યા પછી કહ્યું, ‘૨૦૧૯માં હું આરસીબીનો નેટ બોલર હતો. હવે આ વર્ષે મને મુંબઈ વતી વધુ રમવાનો મોકો મળી રહ્યો છે.’

હું ખરાબ શૉટ રમ્યો ત્યારથી લખનઉના પરાજયની શરૂઆત થઈ : કૃણાલ પંડ્યા

બુધવારે ચેન્નઈમાં મુંબઈ સામે લખનઉનો ૯મી ઓવરની શરૂઆત વખતે સ્કોર ૬૯ રન હતો ત્યારે કૅપ્ટન કૃણાલ પંડ્યા ૮ રનના સ્કોર પર પીયૂષ ચાવલાના બૉલમાં લૉન્ગ-ઑન પર ટિમ ડેવિડના હાથમાં કૅચઆઉટ થયો હતો. કૃણાલે ખરાબ ટાઇમિંગથી બિગ હિટનો પ્રયાસ કર્યો એમાં કૅચ આપી બેઠો હતો. ખુદ કૃણાલે મૅચ પછી કહ્યું, ૅહું ખરાબ શૉટ રમ્યો ત્યારથી અમારા પરાજયની શરૂઆત થઈ હતી. આ હારની પૂરેપૂરી જવાબદારી હું સ્વીકારું છું. હું જ જવાબદાર છું. પિચ તો સારી હતી. બૉલ બરાબર બૅટ પર આવતો હતો. અમારે દરેકે જવાબદારીપૂવર્ક રમવાનું હતું.’

ચેન્નઈમાં બુધવારની મૅચ પછી લખનઉનો કૅપ્ટન મુંબઈ ઇન્ડિયન્સનાં માલિક નીતા અંબાણીને મળ્યો હતો અને તેમની સાથે ઘણી વાતો કરી હતી. તસવીર iplt20.com

લખનઉએ બુધવારે મુંબઈ સામે ડિકૉકને કેમ નહોતો રમાડ્યો?

લખનઉએ બુધવારે ભરોસાપાત્ર બૅટર ક્વિન્ટન ડિકૉકને ન રમાડવાનો શૉકિંગ નિર્ણય લીધો હતો. તેના સ્થાને કાઇલ માયર્સને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડ્યો હતો. આ ઓપનરે છેલ્લે ચેન્નઈમાં ઝમકદાર હાફ સેન્ચુરી ફટકારી હોવાથી તેને ટીમમાં સમાવાયો હતો. કૅપ્ટન કૃણાલ પંડ્યાને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ૅડિકૉક ક્વૉલિટી બૅટર છે, પરંતુ ચેપૉકમાં માયર્સનો રેકૉર્ડ તેનાથી ચડિયાતો હોવાથી અમે માયર્સને રમાડ્યો હતો.’

મધવાલ પર ઇરફાન અને રૈના સહિત અનેક આફરીન

ઇરફાન પઠાણ : આઇપીએલની પ્લે-ઑફની હાઈ-પ્રેશર મૅચમાં કોઈ અનકૅપ્ડ પ્લેયરે (ઇન્ટરનૅશનલ મૅચ ન રમ્યો હોય એવો ખેલાડી) હરીફ ટીમ પર આટલું બધુ વર્ચસ જમાવ્યું હોય એવું પહેલી જ વાર જોવા મળ્યું. આકાશ મધવાલે છેલ્લી બે મૅચમાં કુલ ૯ વિકેટ લીધી. મુંબઈને પ્લે-ઑફમાં પહોંચાડવાનો પૂરો યશ મધવાલને જ મળવો જોઈએ. 

સુરેશ રૈના : મધવાલને બુધવારે લખનઉ સામે પહેલાં નવા બૉલથી બોલિંગ કરવા મળી અને પછી તેણે છેલ્લી પળોમાં તો કમાલ જ કરી નાખી. મેં ૨૦૦૮થી અત્યાર સુધીમાં આવો બીજો બોલિંગ પર્ફોર્મન્સ નથી જોયો. ક્વૉલિફાયર-ટૂ જેવી હાઈ-પ્રેશર ગેમમાં પાંચ વિકેટ લેવી એ તો સેન્સેશનલ પર્ફોર્મન્સ જ કહેવાય.

મોહમ્મદ કૈફ : આકાશ મધવાલ અસરદાર બૉલ ફેંકતો હોય છે. મોહમ્મદ શમી જેવી બોલિંગ સ્ટાઇલ ધરાવતો આ બોલર ખૂબ મચ્યૉર છે.

રવિ શાસ્ત્રી : મધવાલ ટેનિસ બૉલથી ખૂબ રમ્યો છે અને ટેનિસ બૉલ ખેલાડીઓ સ્ટ્રીટ-સ્માર્ટ હોય છે. તે બહુ જલદી ભૂલ સુધારી લેનારો અને જલદીથી નવું શીખનારો બોલર છે.

બુધવારે ચેન્નઈમાં મૅચ પછી મુંબઈની ટીમનો મેન્ટર સચિન અને લખનઉનો મેન્ટર ગૌતમ ગંભીર. તસવીર iplt20.com

20
મુંબઈએ આકાશ મધવાલને ઑક્શનમાં આટલા લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મેળવ્યો હતો.

5
મધવાલે બુધવારે આટલા રનમાં પાંચ વિકેટ લીધી હતી અને આઇપીએલમાં સૌથી ઓછા રનમાં પાંચ વિકેટ લેનારાઓમાં આ સંયુક્ત વિક્રમ છે. ૨૦૦૯માં કુંબલેએ બૅન્ગલોર વતી રાજસ્થાન સામે પાંચ રનમાં પાંચ વિકેટ લીધી હતી.

 હું પોતાને બુમરાહનો રિપ્લેસમેન્ટ ગણતો જ નથી. મને અપાયેલી જવાબદારીઓ પૂરી કરવા શ્રેષ્ઠ પ્રયત્નો કરું છું. હું કેટલા સારા યૉર્કર ફેંકી શકું છું અને મારો ઉપયોગ કેવી રીતે કરવો એ રોહિત ભૈયા સારી રીતે જાણે છે. હું મારી પૅશનને સંતોષવા મોજ કરતાં-કરતાં રમું છું - આકાશ મધવાલ

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 10:28 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK