Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MI vs LSG: અમદાવાદમાં આવતી કાલે મુંબઈનું રાજ કે ગુજરાત રાખશે લાજ?

MI vs LSG: અમદાવાદમાં આવતી કાલે મુંબઈનું રાજ કે ગુજરાત રાખશે લાજ?

25 May, 2023 10:11 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધવાલે પાંચ રનમાં પાંચ વિકેટ લઈને મુંબઈને જિતાડ્યું, લખનઉને બહાર કરાવ્યું : ચેન્નઈ સામેની રવિવારની ફાઇનલમાં ટકરાવા મુંબઈ-ગુજરાત વચ્ચે થશે ટક્કર

આકાશ મધવાલ

IPL 2023

આકાશ મધવાલ


ચેન્નઈમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે આઇપએલના એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને ૮૧ રનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશ કર્યો હતો. આવતી કાલે અમદાવાદમાં મુંબઈનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે થશે અને એમાં જીતનારી ટીમ રવિવારે અમદાવાદની ફાઇનલમાં ચેન્નઈ સાથે ટકરાશે. લખનઉની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે. કૃણાલ પંડ્યાની ટીમ ૧૮૩ રનના લક્ષ્યાંક સામે ૧૬.૩ ઓવરમાં ૧૦૧ રને ઑલઆઉટ થઈ હતી. મુંબઈને ઉત્તરાખંડના પેસ બોલર આકાશ મધવાલે (૩.૩-૦-૫-૫) આ જીત અપાવી હતી. તેણે પ્રેરક માંકડ બાદ ઉપરાઉપરી બે બૉલમાં બદોની અને પૂરનની અને પછી બિશ્નોઈની વિકેટ લીધી હતી તેમ જ દીપક હૂડાને રનઆઉટ કરાવ્યો હતો.

લખનઉનો ટૉપ-સ્કોરર સ્ટૉઇનિસ (૪૦ રન, ૨૭ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ દીપક હૂડા (૧૩ બૉલમાં ૧૫ રન) આ બન્ને બૅટર બૉલ પર નજર રાખવા જતાં એકમેક સાથે ટકરાતાં સ્ટૉઇનિસ રનઆઉટ થઈ ગયો હતો.મુંબઈ સાતમી આઇપીએલ-ફાઇનલમાં પહોંચી શકે. એણે અગાઉ છ ફાઇનલમાંથી પાંચ જીતી હતી.



ગ્રીનના ૪૧, સૂર્યાના ૩૩ રન


એ પહેલાં, મુંબઈએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. આ સીઝનમાં સારું પર્ફોર્મ ન કરનાર રોહિત શર્મા (૧૦ બૉલમાં ૧૧ રન) અને તેના સાથી ઓપનર ઇશાન કિશન (૧૨ બૉલમાં ૧૫ રન)ની ૪૦ રનની અંદર વિકેટ પડી ગયા પછી ઇનિંગ્સની સૌથી મોટી ૬૬ રનની ભાગીદારી વનડાઉન કૅમેરન ગ્રીન (૪૧ રન, ૨૩ બૉલ, એક સિક્સર, છ ફોર) અને સૂર્યકુમાર યાદવ (૩૩ રન, ૨૦ બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે થઈ હતી. ત્રીજી વિકેટ માટેની આ પાર્ટનરશિપ ૧૧મી ઓવરમાં ૧૦૪ રનના કુલ સ્કોર પર સૂર્યાની વિકેટ સાથે તૂટી હતી.

નવીનની ચાર, યશની ત્રણ વિકેટ


અફઘાનિસ્તાનથી આવેલા લખનઉના પેસ બોલર નવીન-ઉલ-હક (૪-૦-૩૮-૪)ની એ જ ઓવરમાં કૅમેરન ગ્રીન પણ કૅચઆઉટ થતાં મુંબઈની ટીમ બે મોટા આંચકાને કારણે પ્રેશરમાં આવી ગઈ હતી. ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ, પરંતુ ઈજાને કારણે વીસ દિવસે પાછા રમેલા તિલક વર્મા (૨૬ રન, બાવીસ બૉલ, બે સિક્સર), ટિમ ડેવિડ (૧૩ રન, ૧૩ બૉલ, એક ફોર) અને ઇનિંગ્સના છેલ્લા બૉલે આઉટ થયેલા નેહલ વઢેરા (૨૩ રન, ૧૨ બૉલ, બે સિક્સર, બે ફોર)નાં સાધારણ યોગદાનોની મદદથી મુંબઈનો સ્કોર પોણાબસોને પાર થયો હતો. વઢેરાને સૂર્યકુમારના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે લેવામાં આવ્યો હતો. લખનઉના યશ ઠાકુર (૪-૦-૩૪-૩)ની ૨૦મી ઓવરમાં વઢેરાની ફટકાબાજી (૪, ૬, ૪)થી ૧૪ રન બન્યા હતા.

નવીનનો હુરિયો બોલાવાયો

બૅન્ગલોરના વિરાટ કોહલી સાથેની તકરારને લીધે નવીન-ઉલ-હક સારું પર્ફોર્મ કરી રહ્યો હોવા છતાં ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં અપ્રિય થઈ ગયો છે અને ગઈ કાલે ચેન્નઈમાં પ્રેક્ષકોએ નવીનનો હુરિયો બોલાવ્યો હતો. નવીને ગઈ કાલે રોહિત, ગ્રીન, સૂર્યા અને તિલક વર્માની મહત્ત્વની વિકેટ લીધી હતી.

મુખ્ય સ્પિનરને ન મળી વિકેટ

લખનઉના મોહસિન ખાનને પણ એક વિકેટ મળી હતી, પણ કૅપ્ટન કૃણાલ પંડ્યા (૪-૦-૪૮-૦) તેમ જ મુખ્ય સ્પિનર રવિ બિશ્નોઈ (૪-૦-૩૦-૦)ને અને ગૌતમને વિકેટ નહોતી મળી.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2023 10:11 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK