એક અહેવાલ મુજબ અક્ષર પટેલને વાઈસ-કૅપ્ટન બનાવાયો
ડેવિડ વૉર્નર
ઑસ્ટ્રેલિયાનો ડૅશિંગ ઓપનર ડેવિડ વૉર્નર માથાની ઈજા અને કોણીના હેરલાઇન ફ્રૅક્ચરને કારણે સિડની પાછો જતો રહ્યો છે અને ભારત સામેની બાકીની બન્ને ટેસ્ટમાં નથી રમવાનો, પરંતુ તે પછીથી ભારત સામે જ રમાનારી વન-ડે સિરીઝ માટે પાછો આવવાનો છે. જોકે બાવીસમી માર્ચે છેલ્લી વન-ડે રમાઈ જશે ત્યાર પછી ભારતમાં વૉર્નર માટે ખાસ ડ્યુટીનો આરંભ થશે.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ આઇપીએલની દિલ્હી કૅપિટલ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ તેને ૩૧ માર્ચે શરૂ થનારી આઇપીએલ માટે કૅપ્ટન નીમ્યો છે.
ADVERTISEMENT
રિષભ પંત કાર-અકસ્માત બાદ ઘૂંટણની સર્જરીને લીધે મોટા ભાગે આઇપીએલમાં નહીં રમે એટલે વૉર્નર પર કળશ ઢોળવામાં આવ્યો છે. અક્ષર પટેલ પણ કૅપ્ટન્સી માટે દાવેદાર હતો, પરંતુ મૅનેજમેન્ટે છેવટે ઘણા અનુભવી વૉર્નરને સુકાન માટે પસંદ કર્યો છે. અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન બનાવાશે, એવું પણ અહેવાલમાં જણાવાયું હતું.
વૉર્નર અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનું નેતૃત્વ સંભાળી ચૂક્યો છે. એ ટીમનું સાડાચાર સીઝનમાં સુકાન સંભાળવાની સાથે ૨૦૧૬માં એ ટીમને તેણે ચૅમ્પિયન પણ બનાવી હતી. આ વખતે એઇડન માર્કરમને હૈદરાબાદની ટીમનો કૅપ્ટન બનાવાયો છે.


