આ ઘટનાનો એક વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં દુખાવાથી કણસતા રિષભ પંતને ટેકો આપવા સપોર્ટ-સ્ટાફના સભ્યો દોડ્યા હતા
રિષભ પંત, ધ્રુવ જુરેલ
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત ટીમ ઇન્ડિયાની વર્ષની પહેલી જ સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. ઇન્જરીને કારણે તે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ૩ વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઉત્તર પ્રદેશ માટે વિજય હઝારે ટ્રોફી રમી રહેલા ધ્રુવ જુરેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા નિવેદન અનુસાર પ્રૅક્ટિસ-સેશનમાં બૅટિંગ દરમ્યાન રિષભ પંતને અચાનક શરીરની જમણી બાજુમાં અસ્વસ્થતા અનુભવાઈ હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તે સાઇડ-સ્ટ્રેનનો શિકાર બન્યો છે એટલે કે સ્નાયુ ફાટવાને કારણે અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટનાનો એક વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં દુખાવાથી કણસતા રિષભ પંતને ટેકો આપવા સપોર્ટ-સ્ટાફના સભ્યો દોડ્યા હતા. એ વખતે નેટથી થોડે દૂર ચીફ સિલેક્ટર અજિત આગરકર, હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન શુભમન ગિલ પોતાની ચર્ચામાં મગ્ન હતા. રિષભ પંત વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચાડીને નૅશનલ ડ્યુટી માટે ભારતીય ટીમ સાથે જોડાયો હતો.


