બંગલાદેશ સામે ભારતીય મહિલા બૅટર્સ ફરી ફ્લૉપ ગઈ : વાઇટવૉશ ન થઈ શક્યો, પણ સિરીઝ ૨-૧થી જીતી ગઈ
ભારતીય ટીમ ડબ્લ્યુપીએલ રમ્યા બાદ ચાર મહિને ફરી રમવા ઊતરી અને સિરીઝ જીતી ગઈ.
મીરપુરમાં ગઈ કાલે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમને બંગલાદેશ સામેની ટી૨૦ સિરીઝમાં વાઇટવૉશ નહોતો કરવા મળ્યો. જોકે ભારતીય ટીમે સિરીઝ ૨-૧થી જીતીને ટ્રોફી મેળવી લીધી હતી.
ભારતીય ટીમ સતત બીજી મૅચમાં સારી બૅટિંગ કરવામાં નિષ્ફળ રહી અને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ફક્ત ૧૦૨ રન બનાવી શકી હતી. સ્મૃતિ મંધાના ૧ અને શેફાલી વર્મા ૧૧ રન બનાવી શકી હતી, જ્યારે હરમનપ્રીત કૌર (૪૦ રન, ૪૧ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને જેમાઇમા રૉડ્રિગ્સ (૨૮ રન, ૨૬ બૉલ, ચાર ફોર) વચ્ચેની ૪૫ રનની પાર્ટનરશિપે ટીમને થોડી આશા અપાવી હતી, પરંતુ ત્યાર બાદ બીજી મોટી ભાગીદારી નહોતી થઈ શકી. બંગલાદેશે ઓપનર શમિમા સુલતાનાના ૪૨ રનની મદદથી ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૦૩ રન બનાવીને આશ્વાસન વિજય મેળવ્યો હતો. પહેલી જ સિરીઝ રમી રહેલી સ્પિનર મિન્નુ મણિએ બે વિકેટ અને પુણેની સ્પિનર દેવિકા વૈદ્યએ પણ બે વિકેટ લીધી હતી, પરંતુ નવી સ્પિનર રાશિ કનોજિયાની ૧૮મી ઓવર ભારતીય ટીમને ભારે પડી હતી. તેની પહેલી ત્રણ ઓવરમાં ૨૮ રન બન્યા હતા, પણ કૅપ્ટન હરમનપ્રીતે તેને ૧૮મી ઓવર આપી ત્યારે બંગલાદેશનો સ્કોર ૬ વિકેટે
૮૮ રન હતો અને ભારત જીતી શકે એમ હતું. જોકે એ ઓવરમાં નાહિદા અખ્તર અને રિતુ મૉનીની જોડીએ સ્કોર ૧૦૧ ઉપર પહોંચાડી દીધો અને પછીની દીપ્તિ શર્માની ઓવરમાં બાકીના બે રન બનાવીને બંગલાદેશને વિજય અપાવ્યો હતો.
કૅપ્ટન હરમનપ્રીતને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. તેના કુલ ૯૪ રન સિરીઝમાં હાઇએસ્ટ હતા. નવી બોલર મિન્નુ મણિની પાંચ વિકેટ ભારતીય બોલર્સમાં સૌથી વધુ હતી.


