ભારતીય સ્પિનરે નૉન-સ્ટ્રાઇક એન્ડ પરની બૅટરને રનઆઉટ કરીને કાયદો અમલમાં આવે એ પહેલાં જ કરી કમાલ

ઐતિહાસિક વિજયઃ ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડમાં બ્રિટિશ ટીમનો જ વાઇટવૉશ કરીને નવો ઇતિહાસ સરજ્યો. તેમણે ઝુલન ગોસ્વામીને શાનદાર ફેરવેલ આપી હતી.
લૉર્ડ્સમાં શનિવારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને આખરી વન-ડે પણ જીતીને બ્રિટિશરોની ધરતી પર પહેલી વાર ક્લીન-સ્વીપમાં વિજય મેળવ્યો એ મૅચમાં સ્પિનિંગ-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઇંગ્લૅન્ડની નવમા નંબરની બૅટર અને ટીમની ટૉપ-સ્કોરર શાર્લી ડીન (૪૭ રન, ૮૦ બૉલ, પાંચ ફોર)ને જે રીતે રનઆઉટ કરી એ કાયદેસર જ છે, એમ છતાં મતમતાંતર ચાલી રહ્યા છે અને એ બધાની વચ્ચે ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે દીપ્તિને જોરદાર સપોર્ટ કર્યો છે. વાસ્તવમાં આઇસીસીનો નવો કાયદો ૧ ઑક્ટોબરથી અમલમાં આવે એ પહેલાં જ દીપ્તિએ કમાલ કરી નાખી છે. હરમને મૅચ પછી કહ્યું, ‘અમારી ટીમે અને ખાસ કરીને દીપ્તિ શર્માએ જે કંઈ કર્યું એ કોઈ ગુનો નથી. તેણે બધુ આઇસીસીના નિયમની અંદર રહીને જ કર્યું છે એટલે અમે બધા દીપ્તિની જ પડખે છીએ.’
પેસ-લેજન્ડ ઝુલન ગોસ્વામીની આ આખરી મૅચ હતી અને ઇંગ્લૅન્ડની ધરતી પર પહેલી વાર ભારતે વન-ડે સિરીઝમાં કરેલા ૩-૦ના વાઇટવૉશ સાથે ઝુલનને પર્ફેક્ટ ફેરવેલ-ગિફ્ટ અપાઈ છે. ભારતે સ્મૃતિ મંધાનાના ૫૦ રન તથા દીપ્તિ શર્માના અણનમ ૬૮ રનની મદદથી ૧૬૯ રન બનાવ્યા હતા. બ્રિટિશ મહિલા ટીમ ૪૩.૩ ઓવરમાં ૧૫૩ રનમાં આઉટ થઈ જતાં ભારતનો ૧૬ રનથી વિજય થયો હતો. મિડિયમ પેસ બોલર રેણુકા સિંહે સતત બીજી મૅચમાં ચાર વિકેટની સિદ્ધિ મેળવી હતી. રિટાયર થતાં પહેલાંની આખરી મૅચમાં ઝુલન ગોસ્વામીએ ૩૦ રનમાં બે વિકેટ અને રાજેશ્વરી ગાયકવાડે ૩૮ રનમાં બે વિકેટ તેમ જ દીપ્તિ શર્માએ ૨૪ રનમાં એક વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
રનઆઉટનો શું વિવાદ થયો?
ટૉપ-સ્કોરર શાર્લી ડીન અને ફ્રેયા ડેવિસ વચ્ચે છેલ્લી વિકેટ માટે ૩૫ રન બન્યા હતા અને ઇંગ્લૅન્ડે જીતવા બીજા માત્ર ૧૬ રન બનાવવાના હતા. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ૪૪મી ઓવર દીપ્તિએ કરી હતી. ઓવરના ત્રીજા બૉલમાં દીપ્તિએ રન-અપ પરથી દોડીને આવ્યા બાદ બૉલ રિલીઝ કરવાની ઍક્શન પૂરી કરી ત્યારે તેણે જોયું કે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર શાર્લી રન દોડવા માટે પહેલેથી જ ક્રીઝની ઘણી બહાર નીકળી ગઈ હતી. દીપ્તિએ બૉલ ફેંકવાને બદલે શાર્લીને રનઆઉટ કરી દેતાં વિવાદ થયો હતો. શાર્લીએ કદાચ ઇંગ્લૅન્ડને જિતાડી જ દીધું હોત, પરંતુ તેણે દીપ્તિ બૉલ ફેંકે એ પહેલાં જ દોડી જવાની ઉતાવળ કરીને વિકેટ ગુમાવી દીધી હતી.
આઇસીસીએ તાજેતરમાં જ ‘માંકડેડ’ તરીકે ઓળખાતા આ પ્રકારના રનઆઉટમાં મહત્ત્વનો ફેંસલો આપ્યો હતો જે મુજબ આ રનઆઉટને ‘અનફેર પ્લે’ને બદલે ‘કાયદેસરનો રનઆઉટ’ ગણાવ્યો છે. જોકે આ ચુકાદો શનિવાર, પહેલી ઑક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે.
આઇસીસીનો નિયમ શું કહે છે?
ક્રિકેટના ઘડવૈયા મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના નક્કી કરાયા મુજબ આઇસીસીએ અપનાવેલો કાયદો ૪૧.૧૬.૧ આ મુજબ છે : બૉલ ‘ઇન પ્લે’ ગણાય ત્યાંથી લઈને બોલર બૉલને રિલીઝ કરે ત્યાં સુધીમાં જો નૉન-સ્ટ્રાઇકર એન્ડ પરનો બૅટર (પુરુષ કે મહિલા) પોતાની ક્રીઝની બહાર નીકળી જાય તો બોલર તેને રનઆઉટ કરી શકે.
હરમને ઍન્કરની બોલતી બંધ કરી
ભારતે ઇંગ્લૅન્ડની ધરતી પર પહેલી વાર ક્લીન-સ્વીપ કરી એ બદલ ભારતીય ટીમને અભિનંદન આપવાને બદલે ઍન્કરે કૅપ્ટન હરમનપ્રીતને ચર્ચાસ્પદ રનઆઉટ વિશે જ સવાલો પૂછ્યા એટલે હરમને તેમને કહ્યું, ‘હું તો માનતી હતી કે તમે મને પૂછશો કે મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી ટીમે તમામ ૧૦ વિકેટ કેવી રીતે લીધી. ઍની વે, તમે જે રનઆઉટ વિશે પૂછો છો એ તો રમતનો એક હિસ્સો જ કહેવાય. અમે કે અમારી બોલરે કંઈ જ ખોટું નથી કર્યું. જેમ બૅટર જાગૃત થઈને રમતી હોય છે એમ અમારી બોલરે પણ સતર્કતા જ દેખાડી. બીજું શું કર્યું? દીપ્તિ શર્માએ નિયમની બહાર જઈને કંઈ નથી કર્યું. છેવટે જીત એ જીત જ કહેવાય અને અમે એ જરૂર માણીશું.’

