શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૧ રન કર્યા, ભારતે ૧૪.૪ ઓવરમાં બે વિકેટે ૧૨૨ રન કરી લીધા : ૪૪ બૉલમાં ૬૯ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બની જેમિમા રૉડ્રિગ્સ
ગઈ કાલે મૅચવિનિંગ ઇનિંગ્સ દરમ્યાન શૉટ ફટકારતી જેમિમા રૉડ્રિગ્સ
શ્રીલંકન મહિલાઓ સામે પાંચ મૅચની T20 સિરીઝમાં ભારતીય મહિલાઓએ વિજયી પ્રારંભ કર્યો હતો. ગઈ કાલે વિશાખાપટનમમાં રમાયેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલાં શ્રીલંકાને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૧ રન કર્યા હતા. ભારતે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૨૨ રન કરી લીધા હતા. ભારતીય બૅટિંગમાં સ્મૃતિ માન્ધનાએ પચીસ બૉલમાં પચીસ રન કર્યા હતા, પણ મૅચવિનિંગ ઇનિંગ્સ જેમિમા રૉડ્રિગ્સની હતી. બીજી ઓવરમાં માત્ર ૧૩ રનના કુલ સ્કોર પર શફાલી વર્મા આઉટ થઈ ત્યારે રમવા આવેલી જેમિમાએ ૪૪ બૉલમાં ૧૦ ફોરની મદદથી અણનમ ૬૯ રન કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌર (૧૬ બૉલમાં અણનમ ૧૫) સાથે તેણે ટીમને જીત અપાવી હતી. જેમિમાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.


