ભાડાવધારો લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે, લોકલ ટ્રેનોના દર યથાવત્
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રેલવેએ ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવે એ રીતે રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોનાં ભાડાંમાં વધારો જાહેર કર્યો છે. આના પગલે ટ્રેનની મુસાફરી મોંઘી થવાની છે. જોકે ઉપનગરીય ટ્રેન મુસાફરી માટે ભાડાંમાં વધારો કરવામાં આવ્યો નથી, તેથી મુંબઈગરાઓને લોકલ પ્રવાસ માટે વધારે દામ ચૂકવવા નહીં પડે.
૨૧૫ કિલોમીટર સુધીના સામાન્ય વર્ગની ટિકિટનો ભાવ બદલાશે નહીં, પરંતુ ૨૧૫ કિલોમીટરથી વધુ અંતર માટે પ્રતિ કિલોમીટર ૧ અને બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ૨૧૫ કિલોમીટરથી વધુના અંતર માટે ઑર્ડિનરી ક્લાસ માટે પ્રતિ કિલોમીટર ૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનોમાં નૉન-ઍર-કન્ડિશન્ડ (AC) કોચ માટે આ વધારો પ્રતિ કિલોમીટર બે પૈસાનો રહેશે તથા તમામ ટ્રેનોના AC ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાડાવધારાથી રેલવેની આવકમાં વાર્ષિક ૬૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે.
ADVERTISEMENT
શા માટે ભાડાવધારો?
ભાડાવધારો શા માટે કરવામાં આવ્યો એ મુદ્દે રેલવેએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રેલવેએ એના નેટવર્ક અને કામગીરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વળી રેલવે એના વર્કફોર્સમાં પણ વધારો કરી રહી છે. એનો વર્કફોર્સનો ખર્ચ વધીને ૧,૧૫,૦૦૦ કરોડ રૂપિયા અને પેન્શન ખર્ચ ૬૦,૦૦૦ કરોડ રૂપિયા થયો છે. ૨૦૨૪-’૨૫ નાણાકીય વર્ષમાં કામગીરીનો કુલ ખર્ચ વધીને ૨,૬૩,૦૦૦ કરોડ રૂપિયા થયો છે. આ ખર્ચવધારાને પહોંચી વળવા માટે રેલવે કાર્ગો લોડિંગ અને મુસાફરોનાં ભાડાંમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


