સાઉથ આફ્રિકાના ૫૪૯ રનના ટાર્ગેટ સામે ભારત ૧૪૦ રનમાં ઢેર થયું, ટીમ ઇન્ડિયાને ૪૦૮ રનથી સૌથી મોટી ટેસ્ટ-હાર મળી, સ્પિનર સાઇમન હાર્મરે સિરીઝમાં રેકૉર્ડ ૧૭ વિકેટ ઝડપી
ગઈ કાલે ભારતની ધરતી પર ટેસ્ટ-સિરીઝ ૨-૦થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ સાઉથ આફ્રિકાની ટીમ
ભારતીય ટીમને પોતાની જ ધરતી પર સાઉથ આફ્રિકા સામે પચીસ વર્ષ બાદ ટેસ્ટ-સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં ભારતને ૪૦૮ રનના વિશાળ માર્જિનથી હરાવીને સાઉથ આફ્રિકાએ ૨-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી છે. સાઉથ આફ્રિકાએ ૪૮૯ અને ૨૬૦ રન કરીને ૫૪૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલા દાવમાં ૨૦૧ રને ધ્વસ્ત થયેલી ભારતીય ટીમ બીજી ઇનિંગ્સની ૬૩.૫ ઓવરમાં ૧૪૦ રન કરીને ઑલઆઉટ થઈ હતી. ૭ વિકેટ લેવા ઉપરાંત ૯૩ રનની ઇનિંગ્સ રમનાર ફાસ્ટ બૉલર માર્કો યાન્સેન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો. ૧૭ વિકેટ લેનાર સ્પિનર સાઇમન હાર્મર પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો.
ભારતીય ટીમે પાંચમા દિવસની શરૂઆતમાં ૧૬મી ઓવરમાં ૨૭-૨ના સ્કોરથી પહાડ જેવા ટાર્ગેટ સુધી પહોંચવાની શરૂઆત કરી હતી. ભારત માટે સાતમા ક્રમે રમીને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ૮૭ બૉલમાં ૫૪ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે ૪ ફોર અને બે સિક્સર ફટકારી હતી. તેના સિવાય બીજી ઇનિંગ્સમાં ડબલ ડિજિટનો સ્કોર ૪ પ્લેયર કરી શક્યા હતા. વૉશિંગ્ટન સુંદરે ૪૪ બૉલમાં ૧૬ રન, સાઈ સુદર્શને ૧૩૯ બૉલમાં ૧૪, કૅપ્ટન રિષભ પંતે ૧૬ બૉલમાં ૧૩ અને ઓપનર યશસ્વી જાયસવાલે ૨૦ બૉલમાં ૧૩ રન કર્યા હતા.
ADVERTISEMENT
પાંચમા દિવસે કુલદીપ યાદવ ૩૮ બૉલમાં પાંચ રન, ધ્રુવ જુરેલ ૩ બૉલમાં બે રન, નીતીશ કુમાર રેડ્ડી ૩ બૉલમાં ઝીરો જ કરી શક્યા હતા. પૂંછડિયા બૅટર જસપ્રીત બુમરાહ બે બૉલમાં એક રન કરી નૉટઆઉટ રહ્યો હતો, પરંતુ ૪ બૉલમાં ઝીરો કરનાર મોહમ્મદ સિરાજ ઊંચો શૉટ રમવાના ચક્કરમાં પોતાની અંતિમ વિકેટ ગુમાવી બેઠો હતો.
સ્પિનર સાઇમન હાર્મરના તરખાટ વચ્ચે યજમાન ટીમ બીજા સેશન દરમ્યાન સમેટાઈ ગઈ હતી. તેણે ૨૩ ઓવરમાં ૩૭ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજને રવીન્દ્ર જાડેજા સહિત બે મહત્ત્વપૂર્ણ વિકેટ મેળવી હતી.
સાઉથ આફ્રિકાના સ્પિનર સાઇમન હાર્મરનું રેકૉર્ડબ્રેક પ્રદર્શન
૩૬ વર્ષના સ્પિનર સાઇમન હાર્મરે ભારત સામે ૪ ટેસ્ટ-મૅચ ભારતમાં જ રમી છે જેમાં તેણે ૨૭ વિકેટ ઝડપી છે. તે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનના ૨૬ વિકેટના રેકૉર્ડને તોડીને ભારતમાં હાઇએસ્ટ વિકેટ લેનાર સાઉથ આફ્રિકન બોલર બન્યો છે. તેણે ૧૭ વિકેટ લઈને ભારતમાં એક ટેસ્ટ-સિરીઝમાં સાઉથ આફ્રિકન બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો ડેલ સ્ટેનનો ૧૫ વિકેટનો રેકૉર્ડ પણ પોતાને નામે કર્યો છે. ૧૦૯ બોલર ભારતમાં ઓછામાં ઓછી ૨૦ ટેસ્ટ-વિકેટ લઈ ચૂક્યા છે જેમાંથી સાઇમન હાર્મનની બોલિંગની ૮.૯૪ની ઍવરેજ અને ૨૮નો સ્ટ્રાઇક-રેટ સૌથી બેસ્ટ રહ્યાં.
વિદેશી ધરતી પર સાઉથ આફ્રિકાની ટેસ્ટ-જીત
ભારતીય ટીમ સામે સાઉથ આફ્રિકાને મળેલી ૪૦૮ રનની જીત એ ઘરની બહાર રનના મામલે તેમની સૌથી મોટી જીત છે. ૨૦૧૮માં આ ટીમે પોતાના જોહનિસબર્ગના મેદાન પર ઑસ્ટ્રેલિયાને ૪૯૨ રનના હાઇએસ્ટ માર્જિનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ ભારતમાં ૮ ટેસ્ટ-સિરીઝ રમી છે જેમાંથી આ તેમની માત્ર બીજી જ ટેસ્ટ-સિરીઝ જીત છે. પચીસ વર્ષ પહેલાં સાઉથ આફ્રિકાએ ભારતમાં યજમાન ટીમ સામે ૨-૦થી ટેસ્ટ-સિરીઝ જીતી હતી.
11
પહેલી ૧૨ ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન તરીકે હાઇએસ્ટ આટલી મૅચ જીતવાનો રેકૉર્ડ કર્યો ટેમ્બા બવુમાએ.
૪૦ વર્ષ બાદ ઘરઆંગણે સતત બે વર્ષમાં બે ટેસ્ટ-સિરીઝમાં હાર
ભારતીય ટીમ ૪૦ વર્ષ બાદ ઘરઆંગણે સતત બે વર્ષમાં બે ટેસ્ટ-સિરીઝ હાર્યું છે. ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડ સામે ૦-૩થી હારનો સામનો કર્યા બાદ ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે ૦-૨થી કારમી હાર મળી. ૪ દાયકા પહેલાં ભારત ઘરઆંગણે ૧૯૮૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૧૯૮૪-’૮૫માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ હાર્યું હતું. એ પહેલાં ૧૯૫૮-’૫૯માં વેસ્ટ ઇન્ડીઝ અને ૧૯૫૯-’૬૦માં ઑસ્ટ્રેલિયા સામેની હાર દરમ્યાન પણ ઘરઆંગણે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ઘરઆંગણે મજબૂત ગણાતી ભારતીય ટીમને ૨૧મી સદીમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૦૪) અને ઇંગ્લૅન્ડ (વર્ષ ૨૦૧૨)માં પણ ટેસ્ટ-સિરીઝમાં હાર મળી હતી.
૩૦ વર્ષ બાદ હોમ ટેસ્ટ-સિરીઝમાં એક પણ ભારતીયની સેન્ચુરી ન જોવા મળી
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝમાં એક પણ ભારતીય પ્લેયર સદી ફટકારી શક્યો નથી. ઘરઆંગણે ભારતની ટેસ્ટ-ટીમ સાથે આવી ઘટના ૧૯૬૯ અને ૧૯૯૫ બાદ પહેલી વખત બની રહી છે. આ બન્ને ઘટનામાં હરીફ ટીમ ન્યુ ઝીલૅન્ડ હતી. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં વૉશિંગ્ટન સુંદરે તમામ ઇનિંગ્સ મળીને ૧૨૪ રન અને રવીન્દ્ર જાડેજાએ ૧૦૫ રન કર્યા હતા. ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય પ્લેયર્સે ૧૫.૨૩ની શરમજનક ઍવરેજ સાથે રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે ક્યારે ટેસ્ટ-સિરીઝમાં વાઇટવૉશ થયો?
૨૦૦૦માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૦-૨
૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડ વિરુદ્ધ ૦-૩
૨૦૨૫માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૦-૨
રનના મામલે ભારતની સૌથી મોટી ટેસ્ટ-હાર
૨૦૨૫માં સાઉથ આફ્રિકા સામે ગુવાહાટીમાં ૪૦૮ રન
૨૦૦૪માં ઑસ્ટ્રેલિયા સામે નાગપુરમાં ૩૪૨ રન
૨૦૦૬માં પાકિસ્તાન સામે કરાચીમાં ૩૪૧ રન
૨૦૦૭માં ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં ૩૩૭ રન
૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામે પુણેમાં ૩૩૩ રન
૧૯૯૬માં સાઉથ આફ્રિકા સામે કલક્તામાં ૩૨૯ રન


