કલકત્તામાં પહેલા દિવસે સાઉથ આફ્રિકા ૧૫૯ રનમાં ઑલઆઉટ, દિવસના અંતે ભારતનો સ્કોર એક વિકેટે ૩૭ : ચાર સ્પિનર્સ સાથે ઊતરેલી ભારતીય ટીમ માટે બુમરાહે પાંચ વિકેટ ઝડપી
જસપ્રીત બુમરાહને પાંચ વિકેટ લીધા બાદ અભિનંદન આપી રહેલી ભારતીય ટીમ
કલકત્તા ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે શુભમન ગિલ ઍન્ડ કંપની સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ટીમ સાઉથ આફ્રિકાનો ફ્લૉપ-શો જોવા મળ્યો. સાઉથ આફ્રિકા જસપ્રીત બુમરાહના તરખાટને કારણે પંચાવન ઓવરમાં ૧૫૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. પહેલા દિવસના અંતે ભારતે ૨૦ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૩૭ રન કર્યા હતા.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર મહેમાન ટીમના ઓપનર્સે ૬૩ બૉલમાં ૫૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. એઇડન માર્કરમે પાંચ ફોર અને એક સિક્સરની મદદથી ૪૮ બૉલમાં ૩૧ રન કર્યા હતા જ્યારે રાયન રિકલ્ટને બાવીસ બૉલમાં ચાર ફોરની મદદથી ૨૩ રન કર્યા હતા. તે બન્ને સિવાય મિડલ ઑર્ડરમાંથી વિયાન મુલ્ડર અને ટોની ડી ઝોર્ઝી ૨૪-૨૪ રનની સારી ઇનિંગ્સ રમી શક્યા હતા. તે બન્નેની વિકેટ બાદ સાઉથ આફ્રિકાએ અંતિમ પાંચ વિકેટ ૧૧ ઓવરમાં ૧૩ રનની અંદર ગુમાવી હતી.
ADVERTISEMENT
કલકત્તાના હાઉસફુલ સ્ટેડિયમમાં ૪ સ્પિનર્સ સાથે ઊતરેલી ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહે પહેલી ઇનિંગ્સમાં ધમાલ મચાવી હતી. તેણે માત્ર ૨૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેની ૧૪માંથી પાંચ ઓવર મેઇડન રહી હતી. સ્પિનર કુલદીપ યાદવે ૩૬ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ૪૭ રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી. સ્પિનર અક્ષર પટેલને એક સફળતા મળી હતી. સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા ૮ ઓવર અને વૉશિંગ્ટન સુંદર એક ઓવરની સ્પેલમાં વિકેટલેસ રહ્યા હતા.
ભારત તરફથી ૨૭ બૉલમાં ૩ ફોરની મદદથી ૧૨ રન કરી ઓપનર યશસ્વી જાયસવાલ ફાસ્ટ બોલર માર્કો યાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ઓપનર કે. એલ. રાહુલે ૫૯ બૉલમાં ૧૩ રન કર્યા હતા. ભારતીય ટીમે વૉશિંગ્ટન સુંદરને ત્રીજા ક્રમે રમાડીને સૌને ચોંકાવ્યા હતા. તે ૩૮ બૉલમાં ૬ રન કરી દિવસના અંત સુધી ટકી રહ્યો હતો.
ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમમાં ૬ ડાબોડી બૅટર્સ
કલકત્તામાં રમાતી પહેલી ટેસ્ટ-મૅચમાં ભારતના ૬ ડાબોડી બૅટર્સ રમવા ઊતર્યા છે. ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વખત ભારતની પ્લેઇંગ ઇલેવનમાં જમણા કરતાં ડાબા હાથના પ્લેયર્સ વધુ છે. યશસ્વી જાયસ્વાલ, વૉશિંગ્ટન સુંદર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બધા ડાબા હાથે બૅટિંગ કરે છે.
ભારત : યશસ્વી જાયસ્વાલ, કે. એલ. રાહુલ, વૉશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા : એઇડન માર્કરમ, રાયન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બવુમા (કૅપ્ટન), ટોની ડી ઝોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વરેન, માર્કો યાન્સેન, કૉર્બિન બૉશ, સાઇમન હાર્મર, કેશવ મહારાજ


