મૅચ રદ થતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો છે. ભારતની આગામી મૅચ બાવીસમી જુલાઈએ સાઉથ આફ્રિકા સામે છે.
ઇન્ડિયા ચૅમ્પિયન્સનો કૅપ્ટન યુવરાજ સિંહ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સનો કૅપ્ટન મોહમ્મદ હાફિઝ.
ગઈ કાલે વહેલી સવારે ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં વર્લ્ડ લેજન્ડ્સ ચૅમ્પિયનશિપ (WLC)માં ઇન્ડિયા ચૅમ્પિયન્સ અને પાકિસ્તાન ચૅમ્પિયન્સની મૅચ રદ જાહેર કરવામાં આવી હતી. રાતે નવ વાગ્યે આયોજિત મૅચના એક દિવસ પહેલાં જ ભારતીય પ્લેયર્સ દ્વારા પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કરવાના સમાચારોને કારણે મૅચ રદ થઈ શકે છે એવા અહેવાલ સામે આવ્યા હતા. મૅચ રદ થતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો છે. ભારતની આગામી મૅચ બાવીસમી જુલાઈએ સાઉથ આફ્રિકા સામે છે.
WCLના આયોજકોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ‘જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હૉકી ટીમ ભારત આવી રહી છે અને હાલમાં બન્ને દેશો વચ્ચે વૉલીબૉલ જેવી અન્ય રમતોમાં સ્પર્ધાઓ થઈ છે ત્યારે અમે WLCમાં ભારત-પાકિસ્તાન મૅચનું આયોજન કરવાનું પણ વિચાર્યું જેથી વિશ્વભરના ફૅન્સ કેટલીક ખુશીની ક્ષણો મળી શકે. જોકે એવું લાગે છે કે આ નિર્ણયથી કેટલાક લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેથી અમે ભારત-પાકિસ્તાન મૅચ રદ કરવાનો નિર્ણય લીધો છે.’
ADVERTISEMENT
મૅચ પહેલાં ભારતના નેતાઓ અને ક્રિકેટ-ફૅન્સે આ મૅચની ભારે ટીકા કરી હતી.
એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બન્ને દેશ વચ્ચે વધેલા તનાવને કારણે હરભજન સિંહ અને પઠાણ બ્રધર્સ સહિતના પ્લેયર્સે મૅચ રમવાનો ઇનકાર કર્યો હતો. બૉલીવુડનો અભિનેતા અજય દેવગન આ ચૅમ્પિયનશિપનો સહમાલિક છે. WCLની પહેલી સીઝનમાં ભારતીય ટીમ પાકિસ્તાનને ફાઇનલમાં માત આપીને ચૅમ્પિયન બની હતી. જો બીજી સીઝનની બીજી ઑગસ્ટે આયોજિત ફાઇનલમાં આ બન્ને ટીમ ફાઇનલિસ્ટ બનશે તો આયોજકો સામે વધુ પડકારરૂપ પરિસ્થિતિ આવી શકે છે.
મેરા દેશ મેરે લિએ સબકુછ હૈ ઔર દેશ સે બઢકર કુછ નહીં હોતા : ધવન
WCLના ઑફિશ્યલ નિવેદન પહેલાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે એક ઈ-મેઈલનો સ્ક્રીનશૉટ શૅર કરીને લખ્યું કે ‘જો કદમ ૧૧ મે કો લિઆ ઉસપે આજ ભી વૈસે ખડા હૂં. મેરા દેશ મેરે લિએ સબકુછ હૈ ઔર દેશ સે બઢકર કુછ નહીં હોતા. જય હિન્દ.’ ભારત-પાકિસ્તાનના લશ્કરી સંઘર્ષ સમયે ૧૧ મેએ શિખર ધવને નિર્ણય લીધો હતો કે તે પાકિસ્તાન સામે નહીં રમે. આ નિર્ણયને તેણે એ જ દિવસે વૉટ્સઍપ અને કૉલના માધ્યમથી આયોજકોને અને પોતાની ટીમને જણાવ્યો હતો. ઈ-મેઈલમાં તેણે આ નિર્ણયની ફરી યાદ અપાવી હતી.


