બેબી બૉસને જોવા પૅરિસ સહિત સમગ્ર યુરોપમાંથી ફૅન્સ બેલફાસ્ટ પહોંચશે, સ્ટેડિયમની ક્ષમતા માત્ર ૭૦૦૦ હોવાથી આયોજકો ચિંતામાં
ફાઇલ તસવીર
ભારત અને આયરલૅન્ડ વચ્ચે ૨૬ જૂનથી શરૂ થઈ રહેલી T20 સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટના ઊભરતા સિતારા વૈભવ સૂર્યવંશીને લઈને ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘બેબી બૉસ’ તરીકે જાણીતો વૈભવ આ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે જેથી તેના ફૅન્સ આ ઐતિહાસિક તક ચૂકવા માગતા નથી અને તેઓમાં એક અલગ જ રોમાંચ છે. ભૂતપૂર્વ ભારતીય અને આયરલૅન્ડના ક્રિકેટર એમ.વી. નરસિંહા રાવના જણાવ્યા અનુસાર વૈભવને ભારતીય જર્સીમાં રમતો જોવા માટે માત્ર આયરલૅન્ડ જ નહીં, પૅરિસ સહિત સમગ્ર યુરોપનાં અનેક દેશો અને શહેરોમાંથી ફૅન્સ બેલફાસ્ટ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.’
આ અસાધારણ ક્રેઝને કારણે બેલફાસ્ટના સ્ટૉર્મોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડની ટિકિટો માટે ભારે ડિમાન્ડ ઊભી થઈ છે. નરસિંહા રાવે જણાવ્યું કે આ સ્ટેડિયમની બેઠકક્ષમતા આશરે ૭૦૦૦ દર્શકોની જ છે, જ્યારે મૅચ જોવા ઇચ્છતા ફૅન્સની સંખ્યા સતત વધી રહી છે.
ADVERTISEMENT
આવી પરિસ્થિતિમાં તમામ દર્શકોને સમાવવા એ સ્થાનિક આયોજકો માટે એક મોટો પડકાર બની રહેશે. ખૂબ જ નાની ઉંમરે પોતાની અદ્ભુત પ્રતિભાથી વિશ્વનું ધ્યાન ખેંચનારા વૈભવને જો પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તો આ તેના કરીઅરની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ હશે. ભારત આ પ્રવાસમાં ૨૬ જૂને પ્રથમ અને ૨૮ જૂને બીજી T20 મૅચ બેલફાસ્ટમાં જ રમશે જેના પર હવે યુરોપના ક્રિકેટજગતની નજર ટકેલી છે.
