દ્વિપક્ષીય T20 સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો વરુણ ચક્રવર્તીએ
ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચમાં ૧૪ વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીત્યો
ભારતીય ટીમના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ઇંગ્લૅન્ડ સામેની T20 ઇન્ટરનૅશનલ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને રેકૉર્ડ-બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ચક્રવર્તીએ પાંચ મૅચની શ્રેણીમાં ૧૪ વિકેટ લઈને દ્વિપક્ષીય T20 સિરીઝમાં સ્પિનર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટનો નવો રેકૉર્ડ બનાવ્યો છે. ૩૩ વર્ષના આ ભારતીય બોલરે વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ મૅચમાં પચીસ રન આપીને બે વિકેટ ઝડપી હતી, જેના કારણે તેણે સિરીઝમાં ૧૪ વિકેટનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.
આ સિદ્ધિ સાથે ચક્રવર્તીએ ન્યુ ઝીલૅન્ડના સ્પિનર ઈશ સોઢી અને જપાનના ચાર્લ્સ હિન્ઝેના ૧૩-૧૩ વિકેટના અગાઉના રેકૉર્ડને તોડ્યો છે. ઓવરઑલ આ રેકૉર્ડ-લિસ્ટમાં તેણે સંયુક્ત રીતે મલાવી દેશના મીડિયમ ફાસ્ટ બોલર સામી સોહેલ (૧૪ વિકેટ)ની બરાબરી કરી છે. વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટ બોલર જેસન હોલ્ડર ૧૫ વિકેટ સાથે આ લિસ્ટમાં પહેલા ક્રમે છે. આ પહેલાં ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ૧૨ વિકેટ લઈને ચક્રવર્તી એક દ્વિપક્ષીય T20 સિરીઝમાં ૧૦થી વધુ વિકેટ લેનાર પહેલો સ્પિનર બન્યો હતો.
ADVERTISEMENT
જુલાઈ ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર આ સ્પિનરે પહેલી ૧૦ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં માત્ર ૧૦ વિકેટ ઝડપી હતી, પણ છેલ્લી ૮ મૅચમાં તેણે ૨૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો છે. ઑક્ટોબર ૨૦૨૪માં ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં કમબૅક કરનાર આ સ્પિનરે ક્રિકેટજગતમાં શાનદાર કમબૅક કર્યું છે.

