પહેલી જ ઓવરમાં ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે બે વિકેટ લીધી એનું કારણ સમજાવતાં સ્ટુઅર્ટ બ્રૉડ કહે છે...
સ્ટુઅર્ટ બ્રૉડ
મૅન્ચેસ્ટર ટેસ્ટના ચોથા દિવસે ભારતની બીજી ઇનિંગ્સની શરૂઆત આદર્શ નહોતી. ફાસ્ટ બોલર ક્રિસ વોક્સની ઓવરમાં ઓપનર યશસ્વી જાયસવાલ અને ત્રીજા ક્રમના બૅટર સાઈ સુદર્શનને ઝીરો રનના સ્કોર પર કૅચઆઉટ કરાવ્યા હતા. ભારતની વહેલી વિકેટનું કારણ સમજાવતાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કૉમેન્ટેટર સ્ટુઅર્ટ બ્રૉડ કહે છે, ‘ફ્રેશ પગ, ફ્રેશ બોલર્સ. જો તમે ટેસ્ટ-મૅચમાં તમારા બોલર્સને બે રાતની ઊંઘ આપો છો તો તેઓ મેદાન પર આવશે અને બૉલથી વાત કરશે.’
બીજા દિવસનાં છેલ્લાં બે સેશનથી ચોથા દિવસના પહેલા સેશન સુધી ઇંગ્લૅન્ડે ૧૫૭.૧ ઓવર સુધી બૅટિંગ કરીને બોલર્સને સંપૂર્ણ બે દિવસ સુધી આરામ આપ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટરે લાંબા સમય સુધી ફીલ્ડિંગ કરવાને કારણે થાક અનુભવી રહેવાથી જલદી વિકેટ ગુમાવી દીધી હતી.
ADVERTISEMENT
2
આટલી વાર કરીઅરની પહેલી બે ટેસ્ટ-મૅચમાં ડક થનાર પહેલો ભારતીય ટૉપ-ઑર્ડર બૅટર બન્યો સાઈ સુદર્શન.

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે ભારતની બીજી ઇનિંગ્સમાં પહેલી જ ઓવરમાં ઓપનર જાયસવાલ અને ત્રીજા ક્રમના બૅટર સુદર્શનને ઝીરો રનના સ્કોર પર કૅચઆઉટ કરાવ્યા હતા.
૧૧ વર્ષ પહેલાં એક ઓવરમાં બે વિકેટ ગુમાવી હતી
ભારતે ટેસ્ટ-ઇનિંગ્સની શરૂઆતની પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવવાની ઘટના ભારતીય ટીમ સામે ૧૧ વર્ષ પહેલાં ઑકલૅન્ડમાં બની હતી. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ત્યારે પહેલી ઓવરમાં ત્રણ રન આપીને શિખર ધવન અને ચેતેશ્વર પુજારાની વિકેટ લીધી હતી. જ્યારે પહેલી ઓવરમાં ઝીરો રન બનાવી બે વિકેટ ગુમાવવાની ઘટના છેલ્લે ૧૯૮૩માં ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડીઝ સામે બની હતી. ત્યારે ફાસ્ટ બોલર માલ્કમ માર્શલની ઓવરમાં અંશુમન ગાયકવાડ અને દિલીપ વેન્ગસરકરે કૅચ-આઉટ થઈને વિકેટ ગુમાવી હતી.


