Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ચારનો ચમત્કાર

Published : 28 July, 2025 08:43 AM | Modified : 29 July, 2025 06:59 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅન્ચેસ્ટર ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ગુમાવી ભારતે ૪૨૫ રન ફટકાર્યા : શુભમન ગિલ અને કે. એલ. રાહુલની ૧૮૮ રનની ભાગીદારી બાદ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે ૨૦૩ રનની પાર્ટનરશિપ કરીને મૅચને ડ્રૉ કરાવી

ગઈ કાલે મૅચ ડ્રૉ કર્યા બાદ શાનદાર ૧૦૭ રન ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ મૅન્ચેસ્ટરની પિચને પગે લાગીને ચુમ્મી લીધી હતી.

ગઈ કાલે મૅચ ડ્રૉ કર્યા બાદ શાનદાર ૧૦૭ રન ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ મૅન્ચેસ્ટરની પિચને પગે લાગીને ચુમ્મી લીધી હતી.


મૅન્ચેસ્ટર ટેસ્ટ પાંચમા દિવસે ડ્રૉ રહેતાં ભારત-ઇંગ્લૅન્ડની પાંચ મૅચની સિરીઝની સ્કોરલાઇન ૨-૧ જ રહી છે. પહેલી ઇનિંગ્સમાં ૩૫૮ રન કરનાર ભારતે બીજી ઇનિંગ્સમાં ત્રણ સદીના આધારે ૧૪૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૪૨૫ રન પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૬૬૯ રન કરનાર ઇંગ્લૅન્ડને દિવસના અંતે ઓછા સમયમાં મળેલા ૧૧૪ રનના ટાર્ગેટ સામે ડ્રૉ માટે હાથ મિલાવવાની ફરજ પડી હતી.

મૅન્ચેસ્ટર ટેસ્ટ ડ્રૉ થતાં ઇંગ્લૅન્ડ ૩-૧થી સિરીઝ જીતતા ચૂકી ગઈ છે. ૩૧ જુલાઈથી સિરીઝની અંતિમ મૅચ લંડનના ધ ઓવલમાં શરૂ થશે. આ ટેસ્ટ જીતીને ભારત સિરીઝને ૨-૨થી ડ્રૉ કરવાનો પ્રયાસ કરશે.



ટેસ્ટ ઇનિંગ્સમાં ભારત પહેલી ટીમ બની છે જેણે એક ટેસ્ટ-સિરીઝમાં સાત વખત ૩૫૦ પ્લસ રનની ભાગીદારી કરી છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ સામે ૧૯૨૦-૨૧, ૧૯૪૮ અને ૧૯૮૯માં ૬-૬ વાર આ રેકૉર્ડ કર્યો હતો.


પાંચમા દિવસે ભારતે ૬૪મી ઓવરમાં ૧૭૪-૨ના સ્કોરથી પોતાની બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. શુભમન ગિલ (૨૩૮ બૉલમાં ૧૦૩ રન) અને કે. એલ. રાહુલે (૨૩૦ બૉલમાં ૯૦ રન) ત્રીજી વિકેટ માટે ૪૨૧ બૉલમાં ૧૮૮ રનની ભાગીદારી કરી હતી. બે મહત્ત્વપૂર્ણ વિકેટ બાદ ઑલરાઉન્ડર્સની જોડીએ ઇંગ્લૅન્ડમાં પોતાની પહેલી સદી ફટકારીને ભારતની કમાન દિવસના અંત સુધી સંભાળી રાખી હતી. વૉશિંગ્ટન સુંદર (૨૦૬ બૉલમાં ૧૦૧ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૮૫ બૉલમાં ૧૦૭ રન)એ પાંચમી વિકેટ માટે ૩૩૪ બૉલમાં ૨૦૩ રનની અણનમ ભાગીદારી કરી હતી.

પાંચમા દિવસે ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (૭૮ રનમાં એક વિકેટ) અને બેન સ્ટોક્સ (૩૩ રનમાં એક વિકેટ)ને સફળતા મળી હતી. ચોથા દિવસે પહેલી ઓવરમાં બે સફળતા મેળવનાર ક્રિસ વોક્સ (૬૭ રનમાં બે વિકેટ) અંતિમ દિવસે પોતાની કમાલ કરી શક્યો નહોતો. ભારતીય ઑલરાઉન્ડર્સની જોડીએ પોતાની સદી પૂરી ન થાય ત્યાં સુધી ઇનિંગ્સ ડિક્લેર ન કરીને હરીફ ટીમના પ્લેયર્સને બરાબર અકળાવ્યા હતા અને લાંબા શૉટ રમીને દોડાવ્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ બેન સ્ટોક્સ સહિતના ઇંગ્લૅન્ડના પ્લેયર્સ ૬૦૦ પ્લસ ફટકારવા છતાં મૅચ ડ્રૉ થતાં નિરાશ થયા હતા.


વૉશિંગ્ટન સુંદરે પણ ૨૦૬ બૉલમાં ૧૦૧ રનની ધૈર્યપૂર્વક બૅટિંગ કરી મૅચ ડ્રૉ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

500

આટલા પ્લસ રન ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં બનાવનાર કે. એલ. રાહુલ સુનીલ ગાવસકર (૫૪૨ રન, ૧૯૭૯) બાદ બીજો એશિયન ઓપનર બન્યો.

203

આટલા રનની ભારત માટેની કોઈ પણ વિકેટની હાઇએસ્ટ ભાગીદારી ૧૯૩૬ના રેકૉર્ડની બરાબરી કરી રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે.

300

આટલા પ્લસ બૉલની બે ભાગીદારી ત્રીજી વાર વિદેશની ધરતી પર કરી ભારતે. આ પહેલાં ૨૦૦૨માં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝમાં કરી હતી.

350

આટલા પ્લસ રન મૅન્ચેસ્ટર ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં ફટકારનાર પહેલી ટીમ બની ભારત.

90

પહેલી વાર SENA દેશમાં ચાર ભારતીયોએ એક ઇનિંગ્સમાં આટલા પ્લસ રનની ઇનિંગ્સ રમી.

5

પહેલી વાર આટલા ડાબા હાથના બૅટર્સ ભારત માટે ટેસ્ટ-મૅચ રમ્યા અને પાંચેય બૅટરે ૫૦ પ્લસ રન પણ કર્યા.

3

આટલી સદી પહેલી વાર ભારત માટે એક ટેસ્ટ-મૅચની પોતાની બીજી ઇનિંગ્સમાં ફટકારી ભારતીય બૅટર્સે.

મૅન્ચેસ્ટરમાં ગઈ કાલે ભારત અને ઇંગ્લૅન્ડની ચોથી ટેસ્ટ-મૅચના પાંચમા દિવસે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય ફૅન્સ આવ્યા હતા.

શુભમન ગિલ અને કે. એલ. રાહુલે ૪૮ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

બે વિકેટ પડ્યા બાદ બીજી ઇનિંગ્સમાં શુભમન ગિલ અને કે. એલ. રાહુલની જોડીએ ૧૮૮ રનની ભાગીદારી કરી હતી. કોઈ પણ રન વગર બે વિકેટ પડ્યા બાદ ત્રીજી વિકેટ માટે કરેલી આ સૌથી મોટી ભાગીદારીનો રેકૉર્ડ હતો. આ જોડીને ઓવરઑલ રેકૉર્ડ-લિસ્ટમાં મોહિન્દર અમરનાથ અને ગુંડપ્પા વિશ્વનાથનો વર્ષ ૧૯૭૭નો રેકૉર્ડ તોડ્યો હતો. તેમણે ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં શૂન્ય રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ ૧૦૫ રનની ભાગીદારી કરી હતી.

એક સમયે હાથમાં આવે ગયેલી મૅચ ડ્રૉ થયા બાદ ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ પોતાના સાથી-પ્લેયરો સાથે નિરાશ થયેલો જોવા મળ્યો હતો.

પહેલી વાર એક ટેસ્ટ સિરીઝમાં ચાર ભારતીય બૅટર્સે કરી કમાલ

પહેલી વાર એક ટેસ્ટ-સિરીઝમાં ભારતના ચાર પ્લેયર્સે ૪૦૦ પ્લસ રન કર્યા છે. કૅપ્ટન શુભમન ગિલે ૭૨૨ રન, કે.એલ. રાહુલે ૫૧૧ રન, રિષભ પંતે ૪૭૯ રન અને રવીન્દ્ર જાડેજાએ ૪૫૪ રન કર્યા છે. વર્તમાન સિરીઝમાં આ ચારેય બૅટર સૌથી વધુ રન કરનાર બૅટર્સની લિસ્ટમાં ટૉપ ફોરમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK