ટી૨૦ ઇન્ટરનૅશનલમાં રચ્યા બે નવા ઇતિહાસ
ગ્લેન મેક્સવેલ
૭ નવેમ્બરે વાનખેડેમાં વર્લ્ડ કપની અફઘાનિસ્તાન સામેની મૅચની અદ્વિતીય ઇનિંગ્સમાં અણનમ ૨૦૧ રન બનાવનાર ગ્લેન મૅક્સવેલ મંગળવારે ગુવાહાટીમાં ૪૮ બૉલમાં ૮ સિક્સર અને ૮ ફોરની મદદથી અણનમ ૧૦૪ રન બનાવીને ઑસ્ટ્રેલિયાને છેલ્લા બૉલની ફોર સાથે વિજય અપાવ્યા પછી હવે સ્વદેશ પાછો જતો રહ્યો છે, પરંતુ આ મૅચમાં તેણે કેટલાક અનોખા વર્લ્ડ રેકૉર્ડ પણ રચી દીધા હતા.મૅક્સવેલે મંગળવારે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ ચાર સેન્ચુરીના રોહિત શર્માના વિશ્વવિક્રમની બરાબરી તો કરી જ હતી અને ૪૭ બૉલમાં સેન્ચુરી ફટકારીને ફાસ્ટેસ્ટ ઑસ્ટ્રેલિયન્સમાં ઍરૉન ફિન્ચ તથા જૉશ ઇંગ્લિસની બરાબરી પણ કરી હતી, પરંતુ મૅક્સવેલની અનોખી સિદ્ધિ એ છે કે તેની ચારમાંથી ત્રણ સદી રન-ચેઝમાં બની છે, જે વિશ્વવિક્રમ છે. આ ત્રણેય સેન્ચુરી ચોથા કે એનાથી નીચલા નંબરે બૅટિંગ કરીને બની હતી અને એ પણ વર્લ્ડ રેકૉર્ડ છે.
કરીઅરની ૧૦૦મી ટેસ્ટમાં ૧૧ બૅટરે અને ૧૦૦મી વન-ડેમાં ૧૦ બૅટરે સદી ફટકારી છે, પરંતુ ગ્લેન મૅક્સવેલ મંગળવારે પોતાની ૧૦૦મી ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૧૦૦ રન બનાવનારો વિશ્વનો પ્રથમ બૅટર બન્યો હતો. ૧૦૦મી ટી૨૦માં સૌથી વધુ રન બનાવનારાઓમાં અત્યાર સુધી રોહિત શર્મા ૮૫ રન (૨૦૧૯માં બંગલાદેશ સામે) સાથે મોખરે હતો, પરંતુ મંગળવારે મૅક્સવેલે તેને ઓળંગી લીધો હતો.
ADVERTISEMENT
21
ટી૨૦ ઇન્ટરનૅશનલના સફળ ચેઝમાં ૨૦મી ઓવરમાં આટલા રન (૪, ૧, ૬, ૪, ૪, ૪) બન્યાનો વર્લ્ડ રેકૉર્ડ મંગળવારે રચાયો હતો. આ પહેલાં ૧૯ રનનો વિક્રમ વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાના નામે હતો.
મૅક્સવેલ, સ્ટોઇનિસ સહિત ચાર પ્લેયર ઑસ્ટ્રેલિયા પાછા ગયા મંગળવારે ગુવાહાટીમાં ભારત સામેની ત્રીજી ટી૨૦ મૅચ બાદ મૅન ઑફ ધ મૅચ ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જૉશ ઇંગ્લિસ અને શૉન અબૉટ ઑસ્ટ્રેલિયા પાછા જઈ રહ્યા છે. વર્લ્ડ કપની ફાઇનલના સાત ખેલાડીઓમાંના બીજા બે પ્લેયર્સ સ્ટીવ સ્મિથ અને ઍડમ ઝૅમ્પા ઑસ્ટ્રેલિયા પહોંચી ગયા છે અને ચૅમ્પિયન ટીમમાંથી ફક્ત ટ્રેવિસ હેડ હવે ભારત સામેની સિરીઝમાં છે. ચાર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ છેલ્લી બે મૅચ માટે ભારત આવ્યા છે, જેમાં વિકેટકીપર જૉશ ફિલિપ, પિંચ-હિટર બેન મૅક્ડરમૉટ, બેન ડ્વારસુઇસ અને સ્પિનર ક્રિસ ગ્રીનનો સમાવેશ થાય છે.

