ઉસ્માન ખ્વાજા અને મૅથ્યુ કુનેમનને કારણે પહેલી વખત ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં, ટીમ ઇન્ડિયા માત્ર ૧૦૯ રનમાં ઑલઆઉટ તો કાંગારૂઓએ ચાર વિકેટે બનાવ્યા ૧૫૬ રન
પાંચ વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયન બોલર મૅથ્યુ કુનેમન
ઇન્દોરમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે સ્પિન સામે ભારતીય બૅટર્સની નબળાઈ ફરી એક વાર છતી થઈ છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાએ પહેલી વખત શાનદાર રમત બતાવી રમત પર કાબૂ મેળવ્યો છે. લેફ્ટ આર્મ સ્પિનર મૅથ્યુ કુનેમન ૧૬ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ પહેલા દિવસે લંચ બાદ માત્ર ૧૦૯ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ બાવન બૉલમાં ૨૨ રન કર્યા હતા.
સિરીઝમાં બે મૅચ હારી ચૂકેલી ઑસ્ટ્રેલિયાનની ટીમે દિવસના અંતે ચાર વિકેટે ૧૫૬ રન કર્યા હતા તેમ જ ૪૭ રનની લીડ મેળવી હતી. રવીન્દ્ર જાડેજાએ ( ૬૩ રનમાં ૪ વિકેટ) સ્ટૅન્ડ ઇન કૅપ્ટન સ્ટીવ સ્મિથ (૨૬ રન) સહિત તમામની વિકેટ લીધી હતી. ઉસ્માન ખ્વાજાએ (૬૦ રન) ઑસ્ટ્રેલિયા તરફથી શાનદાર પ્રદર્શન કરતાં જાડેજા અને રવિચન્દ્રન અશ્વિનની બોલિંગનો સામનો કર્યો હતો. માર્નુસ લબુશેન (૩૧) જે ઇનિંગ્સની શરૂઆતમાં આઉટ થયો હતો, પરંતુ નો બૉલને કારણે બચી ગયો હતો. તેણે ખ્વાજા સાથે ૯૬ રનની પાર્ટનરશિપ કરી હતી જે આ સિરીઝમાં પ્રવાસી ટીમના ખેલાડીની સર્વોચ્ચ પાર્ટનરશિપ છે. દિલ્હીમાં જે પ્રમાણે સ્વિપિંગ શૉટ ફટકારવાની ભૂલ કરી હતી એનું પુનરાવર્તન કર્યું નહોતું. ભારત જ્યારે બૅટિંગ કરી રહ્યું હતું ત્યારે પિચ જાણે રમી શકાય નહોતું એવી લાગતી હતી, પરંતુ ખ્વાજાએ અહીં કઈ રીતે રમી શકાય એ દેખાડ્યું હતું.
ADVERTISEMENT
અન્ય મૅચોની જેમ આ મૅચ પણ ત્રણ દિવસમાં જ પૂર્ણ થશે એવું લાગી રહ્યું છે, કારણ કે આવી પિચ પર ૧૦૦ રનની લીડ પણ મહત્ત્વની છે. કૅપ્ટન રોહિત શર્મા (૧૨) જાડેજા (૪) અને શ્રેયસ અય્યર (૦) આક્રમક રમત રમવામાં આઉટ થયા હતા. ચેતેશ્વર પુજારા પણ માત્ર ચાર બૉલ જ રમી શક્યો હતો. તેની વિકેટ નૅથન લાયને લીધી હતી. નૅથન લાયને કુલ ત્રણ વિકેટ તો કોહલીની વિકેટ મર્ફીએ લીધી હતી.
જાડેજાની કપિલ દેવની ક્લબમાં એન્ટ્રી
ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦૦ વિકેટ અને ૫૦૦૦ રન બનાવનાર કપિલ દેવ બાદ બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. ૩૪ વર્ષના ખેલાડીએ પહેલા દિવસે જ આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે તેણે ૨૬૦મી વિકેટ તરીકે ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. આ વિકેટે ત્રણેય ફૉર્મેટમાં તેની વિકેટની સંખ્યા ૫૦૦ સુધી પહોંચાડી હતી. તેણે ૧૭૧ વન-ડેમાં ૧૮૯ વિકેટ તો ૬૪ ટી૨૦માં ૫૧ વિકેટ ઝડપી હતી. એક બૅટર તરીકે તેણે ભારતીય ટીમને ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. ટેસ્ટમાં તેણે ૨૬૧૯ રન કર્યા છે. વન-ડેમાં ૨૪૪૭ રન અને ટી૨૦ માં ૪૫૭ રન બનાવ્યા છે. કપિલ દેવે ૧૩૧ ટેસ્ટમાં ૪૩૪ વિકેટ તો ૨૨૫ વન-ડેમાં ૨૫૩ વિકેટ ઝડપી હતી. તેણે ટેસ્ટમાં ૫૨૪૮ રન તો વન-ડેમાં ૩૭૮૩ રન બનાવ્યા હતા.
અશ્વિન બન્યો નંબર વન બોલર
અશ્વિનને દિલ્હી ટેસ્ટમાં ૬ વિકેટ લેવાનો લાભ મળ્યો છે, તે બોલરોની રૅન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. તો ટોચ પર રહેલા જેમ્સ ઍન્ડરસનને ન્યુ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડની બીજી ટેસ્ટના પરાજયનું પરિણામ ભોગવવું પડ્યું છે. અશ્વિન તેને પછાડીને પહેલા ક્રમાંક પર પહોંચી ગયો છે. તેના ૮૬૪ પૉઇન્ટ થયા છે તો ઍન્ડરસનના ૮૫૯ પૉઇન્ટ છે. પૅટ કમિન્સ ૮૫૮ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંક પર છે. બુમરાહ પાંચમા ક્રમાંકથી ચોથા સ્થાન પર પહોંચી ગયો છે તો જાડેજા નવમાથી આઠમા ક્રમાંક પર પહોંચી ગયો છે. અશ્વિન પહેલી વખત ૨૦૧૫માં ટેસ્ટમાં નંબર વન બોલર બન્યો હતો.
આકાશ ચોપડા, ભૂતપૂર્વ ક્રિકેટર
જો દરેક ટેસ્ટ બેથી અઢી દિવસમાં પૂર્ણ થઈ જાય તો એ એક સમસ્યા કહેવાશે.
વિક્રમ રાઠોડ, ભારતીય બૅટિંગ કોચ
અમે ધારવા કરતાં પણ આ પિચ પર બૉલ વધારે ટર્ન થતો હતો, એનું કારણ કદાચ ભેજ હોઈ શકે.


