ભૂતપૂર્વ કૅપ્ટનના મતે ફૉર્મ ગુમાવી બેસેલા ઓપનરને બદલે સિલેક્ટરોએ યુવા ખેલાડીઓને રમવાની તક આપવી જોઈએ
માર્ક ટેલર
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્ક ટેલરે સિલેક્ટરોને જણાવ્યું હતું કે આ વર્ષે થનારી એશિઝ સિરીઝ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં ડેવિડ વૉર્નરના ભવિષ્યને લઈને નિર્ણય કરે. રમતના સૌથી લાંબા ફોર્મેટમાં વૉર્નર ઘણા લાંબા સમયથી ખરાબ ફૉર્મમાં ચાલી રહ્યો છે. તેણે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી બે ટેસ્ટની ત્રણ ઇનિંગ્સમાં ૧, ૧૦ અને ૧૫ રન બનાવ્યા હતા. ત્યાર બાદ માથામાં ઈજા થતાં સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.
ટેલરે ચૅનલ નાઇનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વૉર્નર ૨૦૨૪ સુધી રમવા માગે છે. તે આ વર્ષે ઇંગ્લૅન્ડ જવા માગે છે. ઑસ્ટ્રેલિયામાં પણ રમવા માગે છે. તેણે પોતાને ટીમમાં પસંદ કરવાનો નિર્ણય સિલેક્ટરો અને કૅપ્ટન પર છોડી દીધો છે. તે પૂછી રહ્યો છે કે તમે બધા શું ઇચ્છો છો.’ વૉર્નરના ભવિષ્યને લઈને થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે ૩૬ વર્ષના ખેલાડીએ ૨૦૨૪ સુધી રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટેલરે કહ્યું કે ‘મારા મતે સિલેક્ટરોએ નિર્ણય લેવો જોઈએ કે તેઓ ડેવિડ વૉર્નર અને કદાચ કૅમરન બેનક્રાફ્ટ કે મૅચ રેનશો પૈકી એકને ઇંગ્લૅન્ડ લઈ જવા માગે છે. તેમણે એવો નિર્ણય લેવો પડશે તેમ જ કહેવું પડશે કે અમે બે યુવા ખેલાડીઓને લઈ જઈ રહ્યા છીએ. હાલ અમે ફેરબદલ કરી રહ્યા છીએ. તેમણે આવો જ નિર્ણય લેવો જોઈએ. આ ભવિષ્ય વિશે વિચારવાનો સમય છે. તમે એશિઝ વખતે આવું ન કરી શકો. તમે એશિઝ બાદ આવું કરો છો.’


