વન-ડે સિરીઝ ૩-૦થી જીત્યા બાદ ટેસ્ટ-સિરીઝ પણ ૨-૦થી જીતીને કર્યો વાઇટવૉશ
કૅપ્ટન આયુષ મ્હાત્રે સાથે વૈભવ સૂર્યવંશી
ઑસ્ટ્રેલિયન ટૂર પર ગયેલી અન્ડર-૧૯ ભારતીય ટીમે કમાલ કરી દીધી છે. ૩ વન-ડે અને બે ટેસ્ટ-મૅચની આ સિરીઝમાં આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારતીય ટીમે પાંચેય મૅચ જીતીને કાંગારૂઓનો સંપૂર્ણ વાઇટવૉશ કરી નાખ્યો હતો.
બીજી ટેસ્ટ ભારતીય ટીમે બીજા દિવસે જ ૭ વિકેટે જીતી લીધી હતી. ઑસ્ટ્રેલિયાને પ્રથમ દિવસે ૧૩૫ રનમાં ઑલઆઉટ કર્યા બાદ ભારતે ૧૪૪ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે ભારત ૧૭૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૩૬ રનની લીડ મળી હતી. ઑસ્ટ્રેલિયન બૅટરો બીજી ઇનિંગ્સમાં વામળા સાબિત થયા હતા અને ૧૧૬ રનમાં જ પૅવિલિયન ભેગા થઈ જતાં ભારતને જીત માટે ૮૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેમણે કૅપ્ટન આયુષ મ્હાત્રે (૧૩), વૈભવ સૂર્યવંશી (૦) અને વિહાન મલ્હોત્રા (૨૧)ની વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. પહેલી ટેસ્ટ ભારતીય ટીમે એક ઇનિંગ્સ અને ૫૮ રનથી જીતી લીધી હતી.
ADVERTISEMENT
ટેસ્ટ-સિરીઝ પહેલાં રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ ૭ વિકેટે, બીજી ૫૧ રનથી અને ત્રીજી ૧૬૭ રનથી જીતીને કાંગારૂઓનાં સૂપડાં સાફ કરી દીધાં હતાં.
બે વાર ગોલ્ડન ડક, સૂર્યવંશી પ્રથમ ખેલાડી
પ્રથમ ટેસ્ટમાં શાનદાર સેન્ચુરી ફટકારનાર ૧૪ વર્ષનો વૈભવ સૂર્યવંશી બીજી ટેસ્ટમાં ફ્લૉપ રહ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં ૨૦ રન બાદ બીજી ઇનિંગ્સમાં તે પહેલા જ બૉલે આઉટ થઈ ગયો હતો. આ સાથે તેણે એ અનિચ્છનીય રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. યુવા ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બે-બે વાર ગોલ્ડન ડક થનાર વૈભવ પ્રથમ ખેલાડી બની ગયો છે. તે આ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં પણ પહેલા બૉલે આઉટ થયો હતો.


