વેસ્ટ ઇન્ડીઝના સમય મુજબ ભારતમાં આ મૅચ રાતે શરૂ થશે.
મોહમ્મદ શમી અને રોહિત શર્મા
દર બે વર્ષે રમાતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) એટલે કે ટેસ્ટનો વર્લ્ડ કપ તાજેતરમાં જ લંડનના ઓવલમાં ભારત સામેના ઑસ્ટ્રેલિયાના વિજય સાથે પૂરો થયો અને હવે આવતી કાલે ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની ઍશિઝ સિરીઝના આરંભ સાથે ૨૦૨૩-’૨૫ની ડબ્લ્યુટીસીની શરૂઆત થઈ રહી છે. જોકે આપણને સૌથી વધુ રસ ટીમ ઇન્ડિયાની આગામી ટેસ્ટ સિરીઝોમાં હશે અને એમાં ભારતના પડકારની શરૂઆત આવતા મહિને થશે.
ભારતીય ખેલાડીઓ લગભગ એક મહિનો આરામ કર્યા બાદ જુલાઈમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે, જ્યાં ત્રણ વન-ડે અને પાંચ ટી૨૦ અગાઉ સૌથી પહેલાં તો બે ટેસ્ટ રમાશે અને ત્યારથી નવી ડબ્લ્યુટીસીમાં ભારતની શરૂઆત થઈ કહેવાશે. પહેલી ટેસ્ટ ૧૨ જુલાઈથી ડોમિનિકામાં અને બીજી ટેસ્ટ ૨૦ જુલાઈથી ટ્રિનિદાદમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝના સમય મુજબ ભારતમાં આ મૅચ રાતે શરૂ થશે.
ADVERTISEMENT
ભારતીયો ડિસેમ્બર ૨૦૨૩માં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝ રમવા જશે. જાન્યુઆરી ૨૦૨૪માં ભારતમાં ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટ રમાશે અને પછી ઘરઆંગણે સપ્ટેમ્બર ૨૦૨૪માં બંગલાદેશ સામે ટેસ્ટના મુકાબલા થશે. ઑક્ટોબરમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ત્રણ ટેસ્ટ રમવા ભારત આવશે અને ત્યાર બાદ નવેમ્બર ૨૦૨૪માં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા જશે જ્યાં જાન્યુઆરી સુધીમાં પાંચ ટેસ્ટની બોર્ડર-ગાવસકર ટ્રોફી રમાશે. ડબ્લ્યુટીસીની નવી સીઝનમાં ભારતની એ છેલ્લી સિરીઝ બનશે.


