ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ આઇપીએલ પછી જ તરત શું કામ? કેમ માર્ચમાં નહીં? જૂન મહિનો જ શું કામ પસંદ કરાયો? વર્ષમાં ક્યારેય રાખી શકાય. એ ઇંગ્લૅન્ડમાં જ શું કામ? ક્યાંય પણ રાખી શકાય. - રોહિત શર્મા
રોહિત શર્મા
ઑસ્ટ્રેલિયા સામેની ‘ધ અલ્ટિમેટ ટેસ્ટ’માં રોહિત શર્મા બૅટિંગમાં તો ફ્લૉપ ગયો, એની સાથે તેની કૅપ્ટન્સીમાં ભારત ચૅમ્પિયન પણ ન બની શક્યું. જોકે તેની આ નિષ્ફળતા હમણાં તો તેના સુકાનનો ભોગ કદાચ નહીં લે. બીસીસીઆઇના એક વરિષ્ઠ હોદ્દેદારે નામ જાહેર ન કરવાની શરતે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘રોહિત શર્માની કૅપ્ટન્સીને હમણાં તો કોઈ ભય નથી, પરંતુ આવતા મહિનાની વેસ્ટ ઇન્ડીઝની ટૂર પછી અને ખાસ કરીને તેના બૅટિંગ-ફૉર્મને ધ્યાનમાં લઈને ટેસ્ટ-કૅપ્ટન તરીકેના તેના ભાવિ વિશે નિર્ણય લેવાશે. હા, તે આવતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના અંત સુધી કૅપ્ટનપદે કે ટીમમાં હશે કે નહીં એ કહી ન શકાય, કારણ કે ત્યાં સુધી તે ૩૮ વર્ષનો થઈ ગયો હશે.’
બે વર્ષ પહેલાં સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-સિરીઝના પરાજય પછી વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાન છોડી દીધું હતું ત્યારે રોહિતને એ સમયના બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ટેસ્ટનો કૅપ્ટન બનવા ખૂબ સમજાવ્યો એટલે તેણે કૅપ્ટન્સી સ્વીકારી હતી. ખરેખર તો રોહિત ટેસ્ટનો કૅપ્ટન બનવા માગતો જ નહોતો.


