ઇંગ્લૅન્ડ-ટૂર વિશે ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર કહે છે...
ગૌતમ ગંભીરે
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પહેલાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ-રિટાયરમેન્ટ વિશેના નિર્ણય પર વાત કરતાં કહે છે, ‘મારું માનવું છે કે તમે ક્યારે રમવાનું શરૂ કરો છો અને ક્યારે સમાપ્ત કરવા માગો છો એ વ્યક્તિગત નિર્ણય છે. બીજા કોઈને આ અધિકાર નથી. કોચ હોય, સિલેક્ટર હોય કે દેશમાં કોઈ પણ હોય, શું કોઈને એ કહેવાનો અધિકાર છે કે ક્યારે નિવૃત્તિ લેવી અને ક્યારે નહીં? તે વ્યક્તિનો પોતાનો નિર્ણય છે.’
ઇંગ્લૅન્ડ-ટૂર વિશે તે કહે છે, ‘અમે અમારા બે સૌથી સિનિયર અને અનુભવી પ્લેયર્સ વિના જઈશું. ઘણી વખત મને લાગે છે કે આ અન્ય પ્લેયર્સ માટે પણ તેમની ઉપયોગિતા સાબિત કરવાની તક છે. એ (ટૂર) મુશ્કેલ હશે, પણ એવા ખેલાડીઓ હશે જે જવાબદારી લેવા તૈયાર હશે. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પણ મને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહ ન હતો ત્યારે પણ મેં આ જ વાત કહી હતી. કોઈની ગેરહાજરી બીજા પ્લેયર્સને કંઈક ખાસ કરવાની તક આપે છે. આશા છે કે એવા પ્લેયર્સ હશે જે આ તકની રાહ જોતા હશે.’
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડની ટૂર માટે ટેસ્ટ-ટીમ અને નવા કૅપ્ટનની જાહેરાત આજે થાય એવી સંભાવના છે. આ બધા વચ્ચે ઇન્ટરવ્યુમાં ગંભીરે સંકેત આપ્યો કે ભવિષ્યમાં અલગ-અલગ ફૉર્મેટ માટે અલગ-અલગ કૅપ્ટન્સ પર વિચાર કરવામાં આવશે.


