ભારતીય ટીમ એક હોમ-સિરીઝ અને બે અવે-સિરીઝમાં ૯ ટેસ્ટ-મૅચ રમશે
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સ્થાન મેળવવાની દોડ તેજ બની રહી છે. ૨૦૨૭માં ફાઇનલ મૅચ ૯થી ૧૩ જૂન દરમ્યાન લંડનના ઓવલ ખાતે રમાશે. ફાઇનલમાં ક્વૉલિફાય થવા માટે દરેક ટીમને એમની બાકી રહેલી ટેસ્ટ-સિરીઝમાં શું કરવાની જરૂર છે ચાલો જાણીએ.
સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝમાં હાર બાદ ભારત પૉઇન્ટ-ટેબલમાં પાંચમા સ્થાને સરકી ગયું છે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે આગામી બે મૅચની અવે-સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને ફાઇનલની રેસમાં ટકી રહેશે. ભારત આગામી સમયમાં ન્યુ ઝીલૅન્ડમાં બે ટેસ્ટ-મૅચ અને ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ-મૅચ રમશે. કુલ ૯ ટેસ્ટ-મૅચમાંથી ઓછામાં ઓછી ૬ જીત અને બે ડ્રૉ મૅચ સાથે પણ ફાઇનલમાં પ્રવેશ કરી શકશે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં?
ADVERTISEMENT
ટીમ મૅચ જીત હાર ડ્રૉ પૉઇન્ટ ટકાવારી
ઑસ્ટ્રેલિયા ૮ ૭ ૧ ૦ ૮૪ ૮૭.૫૦
સાઉથ આફ્રિકા ૪ ૩ ૧ ૦ ૩૬ ૭૫.૦૦
ન્યુ ઝીલૅન્ડ ૬ ૪ ૧ ૧ ૫૨ ૭૨.૨૨
બંગલાદેશ ૪ ૨ ૧ ૧ ૨૮ ૫૮.૩૩
ભારત ૯ ૪ ૪ ૧ ૫૨ ૪૮.૧૫
શ્રીલંકા ૪ ૧ ૧ ૨ ૨૦ ૪૧.૬૭
ઇંગ્લૅન્ડ ૧૩ ૪ ૮ ૧ ૩૮ ૨૪.૩૬
પાકિસ્તાન ૬ ૨ ૪ ૦ ૧૬ ૨૨.૨૨
વેસ્ટ ઇન્ડીઝ ૧૨ ૨ ૮ ૨ ૩૦ ૨૦.૮૩
બીજી ટીમોની શું પરિસ્થિતિ છે?
ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ મૅચ પહેલાં હજી ૧૪ ટેસ્ટ-મૅચ રમવાની બાકી છે. કાંગારૂઓએ ટૉપ-ટૂમાં સ્થાન સીલ કરવા માટે લગભગ ૬ જીત અને ડ્રૉની જરૂર છે. ઑસ્ટ્રેલિયા હવે ઘરઆંગણે બંગલાદેશ, ન્યુ ઝીલૅન્ડ સામે અને વિદેશમાં સાઉથ આફ્રિકા, ભારત સામે રમશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા પોતાની બાકીની ૧૦ ટેસ્ટ-મૅચમાંથી ૮ મૅચ ઘરઆંગણે જ રમવાનું છે. આફ્રિકન ટીમે ફાઇનલમાં પહોંચવા ફક્ત પાંચ જીત અને બે ડ્રૉની જરૂર પડશે. સાઉથ આફ્રિકા ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ અને ઇંગ્લૅન્ડ સામે રમશે જ્યારે વિદેશમાં શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝ રમશે.
ન્યુ ઝીલૅન્ડને હવે બાકીની ૧૦ ટેસ્ટ-મૅચમાંથી ૬ કે ૭ જીતની જરૂર પડશે. ન્યુ ઝીલૅન્ડ હવે ઘરઆંગણે ભારત, શ્રીલંકા સામે જ્યારે વિદેશમાં ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝ રમવા ઊતરશે.
બંગલાદેશી ટીમને હવે ૮ ટેસ્ટ-મૅચ રમવાની છે. આ ટીમે ઘરઆંગણાની ૪ ટેસ્ટ-મૅચ સહિત એક વિદેશી ટેસ્ટ-મૅચ જીતવી પડશે. બંગલાદેશ હવે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લૅન્ડ અને વિદેશમાં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા સામે રમશે.
શ્રીલંકા આ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ચક્રમાં વધુ ૮ ટેસ્ટ રમશે. ફાઇનલમાં પહોંચવા માટે ટીમને ૬ જીત કે પાંચ જીત અને એક ડ્રૉની જરૂર પડશે. શ્રીલંકાના શેડ્યુલમાં આગામી સિરીઝ ઘરઆંગણે ભારત, સાઉથ આફ્રિકા સામે અને વિદેશમાં પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ સામે છે.
ઇંગ્લૅન્ડની ટીમ બાકીની બધી ૮ ટેસ્ટ જીતી જાય તો પણ ફાઇનલમાં પહોંચવાની એની તક ઓછી દેખાય છે. અંગ્રેજ ટીમ હવે ઘરઆંગણે પાકિસ્તાન સામે અને વિદેશમાં સાઉથ આફ્રિકા, બંગલાદેશ સામે ટેસ્ટ-સિરીઝ રમશે.
૬ ટેસ્ટમાંથી ૪ હાર્યા છતાં પાકિસ્તાન પણ ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવવાની દાવેદારી ધરાવે છે. ક્વૉલિફાય થવા માટે ટીમે બધી ૭ ટેસ્ટ-મૅચ જીતવી પડશે અથવા ૬ મૅચ જીતીને એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રમવી પડશે. પાકિસ્તાન ઘરઆંગણે શ્રીલંકા, ન્યુ ઝીલૅન્ડ સામે અને વિદેશમાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ રમશે.
વેસ્ટ ઇન્ડીઝ પાસે બંગલાદેશ સામેની ફક્ત એક જ વિદેશી બે મૅચની ટેસ્ટ- સિરીઝ બાકી છે અને તેની પાસે સ્ટેન્ડિંગમાં ટૉચના બેમાં સ્થાન મેળવવાની કોઈ તક નથી. ૧૨ મૅચમાંથી માત્ર બે ટેસ્ટ-મૅચ જીતીને કૅરિબિયન ટીમ ૯ ટીમોમાં સૌથી તળિયાની ટીમ છે.
