ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસને લઈને વી.વી.એસ. લક્ષ્મણે મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ પાસેથી ફિટ રહેવાની અપેક્ષા હોય છે, પરંતુ તેઓ મશીન નહીં, માણસ છે અને દરેક ખેલાડીની ફિટ થવાની પ્રક્રિયા અલગ હોઈ શકે છે.
સેન્ટર ઑફ એક્સલન્સમાં જિમની સુવિધાઓને ચકાસતા અધિકારીઓ.
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મિન્હાસ અને સચિવ દેવજિત સૈકિયાએ ગઈ કાલે બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સની મુલાકાત લીધી હતી. અધિકારીઓની મીટિંગ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા અહેવાલના દાવા વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી. વી.વી.એસ. લક્ષ્મણે સેન્ટર ઑફ એક્સલન્સની અને દેવજિત સૈકિયાએ સિલેક્શન પ્રોસેસની દરેક બાબત જણાવી હતી.
વી.વી.એસ. લક્ષ્મણે કહ્યું હતું કે ‘સેન્ટર ઑફ એક્સલન્સનું મેન્સ-વિમેન્સ ટીમના મૅનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે ઉત્તમ સંકલન છે. ખેલાડીઓ પાસે ૧૦૦ ટકા ફિટ રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. ખેલાડીઓ પણ માણસ છે અને તેઓ મશીન નથી. ખેલાડીઓ ચોક્કસ સમયમર્યાદામાં ફિટ થઈ જાય એ જરૂરી નથી.’
સેન્ટર ઑફ એક્સલન્સના વડા વી.વી.એસ. લક્ષ્મણ વધુમાં કહે છે કે ‘ખેલાડીની ફિટ થવાની પ્રક્રિયા ધીમી હોય તો મૅનેજમેન્ટને જાણ કરી દેવામાં આવે છે. ખેલાડીઓ પણ સમજે છે કે તેઓ હાલમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે ફિટ નથી. સેન્ટર ઑફ એક્સલન્સ ફક્ત એક પુનર્વસન કેન્દ્ર નથી અે ક્રિકેટરોને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.’
વી.વી.એસ. લક્ષ્મણે વિરાટ કોહલીને એક ઉત્તમ પ્રોફેશનલ ખેલાડી અને યંગ ખેલાડીઓમાં ફિટનેસ માટે રોલ-મૉડલ ગણાવ્યો હતો. સેન્ટર ઑફ એક્સલન્સમાં છેલ્લા એક વર્ષથી ખાલી સ્પોર્ટ્સ સાયન્સ ઍન્ડ મેડિસિનના વડાના પદ પર નિયુક્તમાં વારંવાર મુશ્કેલીઓ આવવાનો પણ ઉલ્લેખ તેણે કર્યો હતો. ૧૩ જેટલા સ્ટાર ખેલાડીઓ ઇન્જરીને કારણે હાલમાં સેન્ટર ઑફ એક્સલન્સમાં રીહૅબ કરી રહ્યા છે.
